અમદાવાદ, તા.ર૧
અમદાવાદ શહેરમાં વધુ એક શિક્ષકે મોતને વ્હાલું કર્યું છે પ્રાથમિક તારણ મુજબ માનસિક બિમારીના લીધે જ શિક્ષકે આ પગલું ભર્યું છે. જો કે સત્ય હકીકત તો પોલીસ તપાસમાં બહાર આવશે.
વિગતવાર વાત કરીએ તો શહેરના વિશાલા પાસે હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે મોતની છલાંગ મારી છે. પાર્થ ટાંક નામના શિક્ષકે હાઇરાઇઝ બિલ્ડીંગના ૧૪મા માળેથી કૂદીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાર્થ ટાંક આજે સવારે વિશાલા પાસે આવેલા જીમમાં ગયા હતા. જે બાદ તેમણે બિલ્ડીંગના ૧૪મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. હજી જીવન ટૂંકાવવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મહત્વનું છે કે, તેઓ ધરણીધર વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ગણિતના કોચિંગ ક્લાસ ચલાવતા હતા.
પ્રાથમિક વિગત પ્રમાણે, પાર્થ ટાંકને માનસિક બીમારી હતી જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું છે. હાલમાં પોલીસ સીસીટીવી અને બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.