અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. વતન જવાની માંગ સાથે દેખાવો કરનાર પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આઈઆઈએમ નજીક શ્રમિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ થયાની ઘટના સામે આવી છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસના ચાર સેલ છોડયા હતા. અત્યારે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઝોન-૧ સ્કવોર્ડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે. મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર આઈઆઈએમ બ્રિજ નજીક અચાનક જ શ્રમિકો હાથમાં પથ્થર, લાકડી અને દંડા લઈ રોડ પર ઉતરી આવ્યા હતા. પોલીસેે આ ટોળાને રોકવાનો પ્રયાસ કરતાં ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે શરૂઆતમાં હળવો બળપ્રયોગ કર્યો હતો. જો કે, ટોળું બેકાબૂ બનતા પોલીસે તેઓને કાબૂમાં લેવા ટીયરગેસના ચાર સેલ છોડયા હતા જેથી શ્રમિકોનું ટોળું વિખેરાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પ૦થી વધુ પરપ્રાંતિયોને અટકાયતમાં લઈ લેવાયા છે. તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને જેટલા પણ તોફાની તત્ત્વો છે તેમને અલગ કરી ગુનો નોંધી ધરપકડ કરાશે. આ અંગે સેકટર-૧ના જેસીપીના જણાવ્યા મુજબ શ્રમિકો રોડ પર આવી જતાં તેમને પોલીસ દ્વારા અંદર જવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પથરાવ કર્યો હતો. કેટલાક શ્રમિકોની અટકાયત કરી છે. તમામની પૂછપરછ કરવામાં આવશે. તેઓની તમામ સમસ્યાઓ સાંભળવામાં આવશે. તેમને વતન જવું હશે તો વ્યવસ્થા કરીશું.