અમદાવાદ, તા.૯
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે જ્યારે મૃત્યુદર પણ ઉંચો રહેતા પરિસ્થિતિ વણસી છે. તેને જોતાં અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સમગ્ર શહેરને શટડાઉન કરવાનો નિર્ણય કરયો, માત્રદવા અને દૂધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં શાકભાજીવાળા, ફ્રૂટવાળા અને કરિયાણાની દુકાનવાળા દુકાનદારોદ્વારા કોરોનાનું સંક્રમણ વધતા આ પગલું લેવાયું છે. તેનાથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેનું કારણ એ છે કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળતી નથી. તેમાં પણ શાકભાજીની અછત વર્તાઈ રહી છે જેનો લારીવાળા અને ફેરિયાઓ બેફામ લાભ ઉઠાવી રહ્યા છે. લોકડાઉન અને તંત્રનો આદેશ હોવા છતાં હજુ પણ શહેરના કેટલાય વિસ્તારોમાં લારીવાળા અને ફેરિયાઓ ખાનગીમાં ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. તકનો લાભ ઉઠાવી તેઓ બેફામ લૂંટ મચાવી રહ્યા છે. અગાઉ જે બટાકા માત્ર રપથી ૩૦ રૂપિયે કિલો મળતા હતા તેનો લારીવાળા અને ફેરિયાઓ ગ્રાહકની જરૂરિયાત પારખી તેને ૧૦૦થી ૧પ૦ રૂપિયે કિલો વેચી રહ્યા છે. જ્યારે ડુંગળીનો ભાવ ર૦ રૂપિયાથી વધી ૩પ રૂપિયા, લીંબુંનો કિલોનો ભાવ ૭૦ રૂપિયાથી વધુ ૧ર૦ રૂપિયા તે જ રીતે મરચાના કિલોના ૧૦૦ રૂપિયા તો ટામેટા ૧૬૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટૂંકમાં શટડાઉનનો ફાયદો ઉઠાવતા ફેરિયાઓ અને લારીવાળા બેફામ લૂંટ ચલાવતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ બધાની વચ્ચે અનેક લોકોએ કઠોળનો વપરાશ વધાર્યો છે.