અમદાવાદ, તા.ર૭
કોરોનાના ડરથી પરપ્રાંતીય શ્રમિકોમાં ફફડાટ ફેલાતા તેઓ વતન ભણી વાટ પકડી રહ્યા છે. વતન જવા તેમને વાહનો ના મળતા તેઓ ચાલતા-ચાલતા નીકળી રહ્યા છે. દરમ્યાન સરકારે આજે શ્રમિકોને ગુજરાત નહીં છોડવા અને અહીંયા જ તમામ વ્યવસ્થા કરી આપવાની જાહેરાત કરી છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા આ જાહેરાત અમલની ઉતાવળમાં એટલી ગંભીર બેદરકારી દાખવી છે જે શ્રમિકો માટે હાનિકારક છે. કેમ કે તંત્ર દ્વારા આવકારવામાં પરપ્રાંતીય શ્રમિકોને બપોરે વાહનોમાં બેસાડીને બોડકદેવામાં બનેલા નવા ઔડાના મકાનોમાં લઈ ગયા હતા. જો કે, આ નવા ઔડાના મકાનોમાં ના તો ગટર કનેક્શન છે કે, ના તો લાઈટ-પાણીનું કનેક્શન છે. ત્યારે ગટર, પાણી, લાઈટના કનેકશન વિનાના મકાનોમાં એક રૂમમાં ૧પ જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. જેને પગલે તેમને ચેપ લાગવા સહિત ઘણી હાલાકીઓનો સામનો કરવો પડે તેમ છે. તો તંત્રએ આ મામલે ગંભીરતા દાખવી શ્રમિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. પ્રાપ્ત વિગતો મુજબ કોરોના વાયરસ ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં લોકોને ભેગા ન કરવા કે રહેવા સૂચના છે છતાં અત્યારે આવા હજારો શ્રમિકોને એક જ જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે. અમદાવાદના રિંગ રોડ અને એસજી હાઈવે પર પગપાળા વતન તરફ જતા આવા શ્રમિકોને નવા બનેલા મકાનોમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક રૂમમાં ૧૫થી ૨૦ લોકોને રાખવામાં આવી રહ્યા છે જેથી કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા જણાઈ રહી છે. આ ઔડાના મકાનોમાં હજી લાઈટ અને ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી. લાઈટ અને પાણી વગર આ શ્રમિકોને રહેવાની ઉતાવળે તંત્રએ વ્યવસ્થા કરી તેઓને ચેપ લાગે તેવી સ્થિતિમાં મુક્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ તમામ લોકોને રૂમમાં રાખી દેવામાં આવ્યા છે અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શું આ રીતની વ્યવસ્થા તેમના માટે કેટલી હદે સારી કહેવાય ???