અમદાવાદ,તા.ર
પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદ શહેરમાં થયેલી તોડફોડના મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ વાઘેલાના મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે રપ હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. મુખ્ય આરોપી સહિત ૭ને જામીન આપવામાં આવ્યા છે. પદ્માવત ફિલ્મના વિરોધમાં શહેરમાં ઈસ્કોન, થલતેજ, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ થિયેટરોમાં તોડફોડ અને આગચંપીનું કાવતરૂં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શન વેળા ટોળાએ થિયેટરને રીતસર બાનમાં લઈ તોડફોડ અને વાહનોમાં આગચંપી કરી હતી. આ આગપંચીની ઘટના બનતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે કેટલાક ઈસમોની ધરપકડ કરી હતી ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતા થિયેટરોમાં તોડફોડ કરવાનું કાવતરૂં સાણંદ ખાતે ઘડાયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં બહાર આવ્યું કે સાણંદમાં આદર્શનગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ રઘુભા વાઘેલાના નેજા હેઠળ તથા કરણીસેનાના આગેવાન પૃથ્વીરાજસિંહ વાઘેલા, સુરેન્દ્રસિંહ સિસોદિયા સહિતનાં લોકોએ મીટિંગ યોજી હતી. જેમાં પીવીઆર અને અન્ય મલ્ટી પ્લેકસમાં તોડફોડ કરવા અંગે ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણો કરવામાં આવ્યા હતા. જેથી ઈસ્કોન ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ભેગા થઈ મલ્ટીપ્લેકસમાં તોડફોડ અને આગચંપી કરવાનું કાવતરૂં રાજેન્દ્રસિંહ વાઘેલાએ ઘડયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હિંસા ફેલાવનાર રાજેન્દ્રસિંહ વાઘેલાની મદદ કરનાર સાણંદના પોલીસ કર્મી પોપટસિંહ વાઘેલા સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં હતો અને આરોપીને નાસી જવામાં પણ મદદ કરી હતી.