અમદાવાદ,તા.૧૩
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ આશ્ચર્યજનક રીતે ધીમે ધીમે ઘટી રહ્યું છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ નિયંત્રણ આવી ગયું હોવાથી આ પરિસ્થિતિમાં વધુ સુધારો કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો માસ્ક પહેરતા ટેવાય તે માટે તથા જાહેરમાં થૂંકવાની ગંદી કુટેવ છોડે તે હેતુથી દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટે આજરોજ સાબરમતી રિવરફન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર (આઈ.એ.એસ) તથા જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસોમાં લોકો ઘરની બહાર નીકળતી વખતે ફરજિયાતપણે માસ્ક ધારણ કરે અને જાહેરમાં થૂંકવાથી બચે તે બાબતો અતિમહત્ત્વની છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે અને પાલન નહીં કરનાર પાસેથી રૂા.ર૦૦નો દંડ પણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ નિયંત્રણ આવ્યું છે. આ પરિસ્થિતિ જાળવી રાખવા માટે લોકો દ્વારા ફરજિયાત માસ્ક પહેરવામાં આવે, જાહેરમાં થૂંકવામાં ન આવે અને સામાજિક અંતર જાળવવામાં આવે તે જ મુખ્યત્વે કારગત ઉપાયો છે. તેમ છતાં હજુ પણ માસ્ક વિના બહાર નીકળવવાની વૃત્તિ લોકોમાં ઘણા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે જે આરોગ્ય માટે જોખમી છે. આથી માસ્ક નહીં પહેરવા બદલ અને જાહેરમાં થૂંકવા બદલ હાલ જે રૂા.ર૦૦નો દંડ વસૂલવામાં આવે છે તે વધારીને રૂા.પ૦૦ કરવાનું નક્કી કરવામાં આવ્યું. વધુમાં જો પાનના ગલ્લા પાસે ગ્રાહકો દ્વારા જાહેરમાં થૂંકવાની પ્રવૃત્તિ થતી જણાય તો જે તે પાનના ગલ્લાવાળા પાસેથી રૂા.૧૦૦૦૦નો દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.