અમદાવાદ, તા.૭
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસો સતત ઘટી રહ્યા છે. જુલાઈ મહિનામાં ૪ દિવસ ૨૦૦થી નીચે કોરોનાના નવા કેસો નોંધાયા છે. સોમવારે પણ અમદાવાદમાં કોરોનાના ૧૮૩ અને મંગળવારે ૧૭ર નવા કેસો સામે આવ્યા હતા. આ દરમિયાન વધુ ૧૪ લોકોને કોરોના ભરખી ગયો છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી મળેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૨ હજારને પાર પહોંચી ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે, આમ છતાં કેસો સતત ઘટી રહ્યા છે. જુલાઈ મહિનાના પ્રથમ ૬ દિવસોમાંથી ૪ દિવસ કોરોનાના નવા કેસો ૨૦૦થી નીચે રહ્યા છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે. અમદાવાદમાં સોમવારે નવા સામે આવેલા ૧૮૩ કેસોમાંથી ૧૬૮ કેસ શહેરમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય ૧૫ કેસ જિલ્લામાંથી નોંધાયા છે. જ્યારે આજે શહેરમાં ૧૭ર તથા જિલ્લામાં ૧પ કેસ નોંધાયા છે. અગાઉ રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના નવા ૧૭૭ કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે એ દિવસે વધુ ૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અનલોકના બીજા તબક્કામાં પણ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સોમવારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૩૫ નવા કેસો સામે આવ્યા હતા, જ્યારે મંગળવારે અધધ ૭૭૮ કેસ નવા નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે આ સતત ચોથો દિવસ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦૦થી વધુ રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૩૭,૬૩૬ પર પહોંચી ચૂકી છે. ગુજરાતમાં મંગળવારે સામે આવેલા નવા ૭૭૮ કેસોમાં સૌથી વધુ સુરતમાં ૨૦૪ કેસ નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લાના થઈને કુલ ૨૪૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સતત ચોથા દિવસે સુરતમાં નવા કોરોના સંક્રમિતોની સંખ્યા અમદાવાદ કરતા વધારે નોંધાઈ છે.