અમદાવાદ, તા.૭
ગુજરાતમાં અમદાવાદ સૌથી વધારે કોરોનાગ્રસ્ત રહ્યું છે. અમદાવાદમાં કેસોની સંખ્યા અતિઝડપથી વધી રહી છે. આંકડો આજે વધીને નવા ૧૯ કેસો સાથે ૮૩ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદમાં જુદા જુદા વિસ્તારો હોટસ્પોટ તરીકે બની ગયા છે જેમાં દાણીલીમડા, જમાલપુર, કાળુપુર, બોડકદેવનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવના કેસો વધારે નોંધાયા છે જેમાં કાળુપુરમાં ૧૦, દરિયાપુરમાં ૧૩, જુહાપુરામાં છ, બાપુનગર-રખિયાલમાં પાંચથી વધુ કેસો નોંધાયા છે. મળેલી માહિતી મુજબ જમાલપુર અને દાણીલીમડામાં મોટાભાગના લોકલ ટ્રાન્સમિશનના કેસ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં કોરોનાની સૌથી ખરાબ સ્થિતિ છે અહીં સાત સ્થળો પર ૨૪ હજારથી વધુ લોકોને ક્લસ્ટર કરાયા છે. જમાલપુરના ક્રિસ્ટલ ફ્લેટ વિસ્તારમાં ૨૮૧૬થી વધુ લોકોને ક્લસ્ટર કરાયા છે. અમદાવાદ શહેરમાં દરિયાપુર, દાણીલીમડા, કાલપુર સહિતના આઠ વિસ્તારોને કલસ્ટર કવોરન્ટીન કરી દેવાયા છે. જયારે શહેરની આઠ જેટલી પોળોને પણ કલસ્ટર કવોરન્ટીન કરાઇ છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસના વિસ્તારમાં કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં આજે ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાઈરસના ફેલાવો થઈને અન્ય લોકોમાં ન પ્રસરે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે નવા દર્દીના નામ અને સરનામા સાથેની વિગતો બહાર પાડી હતી. અમદાવાદમાં જોવા મળેલા પોઝિટિવ કેસોના ક્લસ્ટરને પગલે રાજ્ય સરકારે તેવા વિસ્તારોને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કામગીરી હાથ ધરી છે. ત્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરીને હાઈ રિસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢીને તેમનું નિદાન અને સારવાર કામગીરી હાથ ધરાય છે.

કોરોનાની આંકડાકીય વિગતો

અમદાવાદમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.
કુલ પોઝિટિવ કેસો ૮૩
કુલ મોત થયા ૦૫
લોકોને રજા અપાઈ ૦૭
છેલ્લા ૨૪ કલાકમાં કેસો ૧૯