અમદાવાદ, તા.૩
છેલ્લા સપ્તાહથી અમદાવાદમાં વરસાદ હાથતાળી આપીને છટકી ગયા બાદ આજે બપોર બાદ અમદાવાદ-ગાંધીનગરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સાંજે ભારે પવન ફૂંકાયા બાદ અમદાવાદના કુબેરનગર એરપોર્ટ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં ગત સપ્તાહમાં વરસાદ ખેંચાતા ભારે ઉકળાટ અને ગરમીથી શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા હતા. આ દિવસોમાં તાપમાનનો પારો સતત ચડતો જતો હતો. આજે બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા કાળાડિબાંગ વાદળોએ શહેરના આકાશમાં કબજો લઈ લીધો હતો. સાંજ પડતાં ઠંડા પવન અને મેઘગર્જના સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડતાં શહેરીજનોએ રાહતના શ્વાસ લીધા હતા. શહેરના નરોડા, વસ્ત્રાલ, સરદારનગર, આશ્રમરોડ, ચાંદલોડિયા, રાણીપ, ગોતા અને એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. આગાહી મુજબ આગામી ૪, ૫, ૬ જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ રાજ્યમાં પડશે.