અમદાવાદ,તા.૨
ગુજરાતમાંથી વતન જવા માંગતા પરપ્રાંતિયો માટે અને અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો માટે સરકારે અલગ અલગ હેલ્પલાઈન નંબર જાહેર કરી દીધા છે. અમદાવાદમાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને વતન મોકલવાની કલેકટર કચેરી દ્વારા કામગીરી કરવામાં આવી છે. જે અમદાવાદથી આગરા જવા બે ટ્રેન રવાના થઈ હતી. એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આજે ડિજિટલ પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતું. લોકડાઉનની સ્થિતિમાં પરપ્રાંતિયોને વતન મોકલતા સમયે ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. એક ટ્રેનમાં બારસો મુસાફરોને ટ્રેન મારફતે અમદાવાદથી વતન મોકલવામાં આવ્યા હતા. આ રીતે બે ટ્રેન આજે રવાના થઈ હતી તેમાં માત્ર રજીસ્ટ્રેશન કર્યુ હોય તેવા લોકો જ ગયા હતા. વતન જનારા પરપ્રાંતિયો માટે સરકારે ભાડાનો દર નક્કી કર્યો છે. તે મુજબ ટિકિટનો ખર્ચ પરપ્રાંતીયોએ ભોગવવાનો રહેશે તે સરકારે સ્પષ્ટ કર્યું હતું. સરકારની આ જાહેરાત મુજબ, આજે અમદાવાદથી સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ બે ટ્રેન પરપ્રાંતીયોને લઇને આગ્રા રવાના થઇ હતી તો, સુરતથી ઓરિસ્સા માટે એક ટ્રેન પરપ્રાંતીયોને લઇ રવાના થઇ હતી. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરી એક કોચમાં છ પરપ્રાંતીયોને જ બેસવાની મંજૂરી અપાઇ હતી. આશરે ૧૨૦૦થી વધુ પરપ્રાંતીયોને આગ્રા જવા વિશેષ ટ્રેનમાં રવાના કરાયા હતા. તો સુરતથી પરપ્રાંતીયોને ઓરિસ્સા મોકલાયા હતા. જેને પગલે પરપ્રાંતીય શ્રમિકો, મજૂરો અને કામદારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, પરપ્રાંતીયોની મુશ્કેલીને જોતાં છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાત સરકાર તરફથી પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સરકારે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. આ હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને નોંધણી કરાવવાથી તેમને ગુજરાત પરત આવવા માટે વ્યવસ્થા કરાવવામાં આવશે. ગુજરાતના જે લોકો અન્ય રાજ્યમાં ફસાયા છે તેને પરત લાવવા માટેની કામગીરી હાથ ધરી છે. આશરે ૩૦૦૦ ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા છે. ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર તેમની વિગતો સ્ટેટ કંટ્રોલ ઉપર નોંધાવી શકે છે. સુરત અને અમદાવાદ શહેરમાં ગુજરાત બહારના પરપ્રાંતિય લોકો ગુજરાત આવીને નોકરી ધંધા કરે છે. આવા લોકો તેમના રાજ્યોમાં જવા માંગતા હોય તેવા લોકો માટે ગુજરાત સરકારે ૧૬ અધિકારીઓની નિમણુંક કરી છે. પોતે પોતાના ખર્ચ પરત જવા માંગતા હોય. તેમને જવા દેવામાં આવશે. ટ્રેન અને બસની ટીકીટ કરીને જઈ શકશે. ૧૦૭૭ નંબર પર કોલ કરીને મદદ માંગી શકશે.