• અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે કર્ણાટક-મહારાષ્ટ્ર બોર્ડર પરથી અસ્ફાકની ધરપકડ કરી

  • અસ્ફાક અહેમદ ઉર્ફે અફાક બાવાની મુંબઈ પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓને ઘણા સમયથી તલાશ

 

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં જ કરોડના એમ.ડી. ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આ ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ સપ્લાય કરનાર મુંબઈના ડ્રગ્સ માફિયા અસ્ફાક અહેમદ ઉર્ફે અફાક બાવા ઉમર કરોલને કર્ણાટક અને ગોવા બોર્ડર નજીકથી ધરપકડ કરી હતી. અસ્ફાક અહેમદને મુંબઈ પોલી અને સેન્ટ્રલ એજન્સી ઘણા સમયથી પકડવા દોડધામ કરતી હતી. અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને અસફળતા મળી હતી.

અફાક બાવા ગુજરાતમાં આવતા મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (સ્ડ્ઢસ્છ) એટલે કે એમડી ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર છે. ગુજરાતના ડ્રગ રિસિવર રોકડા રૂપિયા લઈને મુંબઈ જતા હતા અને અફાકના દીકરાની સાથે ડીલ થયા બાદ અમદાવાદ લાવતા હતા. અફાક બાવાને ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને અન્ય એજન્સીઓ શોધી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અફાક પકડાતા હવે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડિલિંગની વિગત જાણવા મળશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૧ર સપ્ટેમ્બરના રોજ એક પોલીસકર્મી સહિત ત્રણને એમડી ડ્રગ્સના રૂા. એક કરોડની કિંમતના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ તમામ ગુજરાતમાં મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા. આ ડ્રગ્સ માટે રીતસરની એક સિસ્ટમ ગોઠવાઈ હતી. મુંબઈના ડોગરીમાં વૈભવી લાઈફ સ્ટાઇલ જીવતા અફાક બાવા સુધી પહોંચતા ગુજરાતના અને મુંબઈના અનેક નાના ડિલરો મારફતે અફાકના દીકરા સાથે વાત થતી હતી. ત્યાર બાદ અફાક બાવા રૂપિયા રિસીવ કરે પછી જ ડ્રગ્સની ડિલિવરી કરતો હતો.

અફાક બાવા મુંબઈના મોટા ડ્રગ્સ ડિલરો પૈકીનો એક છે. જેને સેન્ટ્રલ એજન્સી શોધી રહી છે. લોકડાઉનમાં તે તેની સાસરીમાં છુપાયેલો હતો અને ત્યાંથી તેનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો. હવે અફાકની ધરપકડથી ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તે દિશામાં તપાસ કરી રહી છે.

રવિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડના એમડી ડ્રગ્સ સાથે પોલીસકર્મી સહિત ૫ આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ડ્રગ્સકાંડની એક-એક એંગલથી તપાસ કરવામાં આવી રહી હતી. આ તપાસમાં બહાર આવ્યું હતું કે, કોઈ ઝડપથી રૂપિયા કમાવવા તો કોઈ દેવામાં ડૂબી જતાં એમડી ડ્રગ્સની હેરાફેરીમાં જોડાયા છે. આ આખા રેકેટનું કનેક્શન મુંબઈ સુધી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ પકડાયેલા લોકો તો માત્ર ડ્રગ્સ કેરિયર છે, તેની પાછળ અમદાવાદ અને મુંબઈની એક આખી સર્કિટ કામ કરી રહી છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં એમડી ડ્રગ્સના વેચનારા ૧૭ માસ્ટર માઇન્ડની અલગ-અલગ એજન્સીએ યાદી તૈયાર કરી હતી. આ યાદીમાંથી કેટલાક શખ્સો હાલ જેલમાં છે, જ્યારે અન્ય લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું એક ખાસ પ્રકારના કોડવર્ડથી વેચાણ કરવામાં આવે છે, જેમાં કેટલાક ટપોરીઓ એમડી ડ્રગ્સની ડિલિવરી માટે બેરોજગાર અને આર્થિક જરૂરિયાતવાળા લોકોને પોતાની સાથે જોડે છે. આખા રેકેટમાં કોડ સૌથી મહત્ત્વનો છે અને એના આધારે જ ડ્રગ્સ ‘સલામત રીતે’ ગ્રાહક સુધી પહોંચે છે. એમડી ડ્રગ્સ મેળવવા માટે સૌથી પહેલા રેફરન્સ જરૂરી હોય છે, જે અગાઉ ડ્રગ્સ લેનાર કે સપ્લાયરનો રેફરન્સ આપે છે. ત્યાર બાદ સામાન્ય રીતે શહેરની પોળ જેવી ગલીઓમાં ડ્રગ્સની ડિલિવરી થતી હોય છે. આ ડિલિવરીની એક આખી ચેઈન અને તેના કોડવર્ડ હોય છે. એક મહિના પહેલાં રાજ્યના પોલીસ વડા બનેલા આશિષ ભાટિયાએ ચાર્જ સંભાળ્યો ત્યારે પણ તેમની ભાવિ રણનીતિમાં ડ્રગ્સ અને હેરોઈનની હેરાફેરીની ચેઈન તોડવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ગાંજો ઓડિશાથી આવે છે. એમડી ડ્રગ્સ મુંબઈથી આવે છે અને હેરોઇનની હેરાફેરી દરિયાઈ સીમાઓથી થાય છે. આ ત્રણેય ચેનલને તોડી પાડવા પર સખત ભાર મૂકવામાં આવશે. હેરાફેરી કરનારા મુખ્ય સૂત્રધારોને શોધીને રાજ્યમાં સ્થાનિક સ્તર પર થતી હેરાફેરી બંધ કરાવાશે.