અમદાવાદ, તા.૬
રાજ્યમાં અવાર-નવાર કારમાં ગૂંગળાઈ જતા મોત થવાની ઘટના બને છે તેમાં મોટા ભાગે માતા-પિતાની જ બેદરકારી સામે આવતી હોય છે. જો કે અમદાવાદમાં આ વખતે તો રમતા રમતા બાળક પાર્ક કરેલી કારમાં બેસી ગયો. ત્યારબાદ લોક થઈ જતા કારમાં જ ફસાઈ જતા ગૂંગળામણથી તેનું મોત નિપજ્યું છે. એટલે પાર્ક કરેલી કારનો દરવાજો કેવી રીતે ખૂલી ગયો ? શું લોક ખુલ્લું હતું ? સહિતના પ્રશ્નો ઊઠવા પામ્યા છે. ત્યારે એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે. તેમાં જો કાર માલિકની બેદરકારી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે. વિગતવાર વાત કરીએ તો ઈન્દિરા બ્રિજથી એરપોર્ટ રોડ પર છસ્ઝ્ર પાણીની ટાંકી પાસે આજે બપોરે ૬ વર્ષના બાળકની લાશ કારમાંથી મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ કારમાં જોતા એક બાળક હતો. ઈન્દિરા બ્રિજ પાસે આવેલા સરણિયા વાસમાં રહેતો અજય સરાણિયા બપોરે ૧૨ની આસપાસ તેની માતા સાથે જતો હતો. ત્યારે માતા આગળ જતી રહી હતી અને બાળક પાછળ આવતું હતું. બાળક ગાડી જોતા જ ગાડી પાસે ગયો હતો અને દરવાજો ખોલતાં ખૂલી ગયો હતો અને અંદર બેસી ગયો હતો. દરમ્યાનમાં કાર લોક થઈ જતા. અંદર ગૂંગળાઇ ગયો હતો. માતા જતા જતા પાછળ બાળકને જોયો ન હતો. જેથી માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ હતી. પરંતુ બાળક ઘરે ન હતો. બાળકને શોધતા શોધતા તેઓ આવ્યા હતા. દરમ્યાનમાં ગાડીમાં લાલ કલરવાળા કપડાં પહેરેલો અજય જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં એક મહિલાની પાછળ બાળક આવે છે અને ગાડીનો દરવાજો ખોલી અંદર બેસી જાય છે. જો કે પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ આદરી છે.