‘દુર્ઘટના સે દેર ભલી’ પંક્તિને આત્મસાત કરવી પડશે
અમદાવાદ, તા.૧૮
અમદાવાદ શહેરમાં એક કમકમાટીભર્યા અકસ્માતમાં ગરીબ ઘરના બે ભૂલકાઓનાં મોત નિપજ્યા છે. વાત એમ છે કે, શહેરના સિંધુભવન રોડ ખાતે એક કારચાલકે પેડલ રિક્ષાને ટક્કર મારતા શ્રમજીવી પરિવારને ઈજા થઈ હતી, જેમાં ગંભીર થવાને લીધે બે નાના બાળકોના સારવાર વેળા જ મોત નિપજતા ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો શહેરના એસજી હાઈવે નજીક આવેલા સિંધુભવન ખાતે છાપરામાં રહેતા કિરણભાઈ વાસફોડિયા સિંધુભવન રોડ પર પેડલ રિક્ષા ચલાવીને જઈ રહ્યા હતા. ત્યારે પાછળ પત્ની અને ત્રણ વર્ષનો હાર્દિક અને બે વર્ષનો યુવરાજ બેઠા હતા. દરમ્યાન પાછળથી એક કારચાલકે પૂરઝડપે પેડલ રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજા થતાં હાર્દિક અને યુવરાજને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર વેળા હાર્દિક (ઉ.વ.૩) અને યુવરાજ (ઉ.વ.ર)નાં મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે એમ ટ્રાફિક પોલીસે કારચાલક હાર્દિક રાજેન્દ્રકુમાર શાહ (રહે.કાવેરી પ્રથમ શિલજ ઓવરબ્રિજ પાસે અમદાવાદ)ને પકડી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
અત્રે નોંધનીય છે કે, અકસ્માતમાં એક ગરીબ ઘરનો ઉગતો સુરજ આથમી ગયો છે તેનું દુઃખ તો તે પરિવાર જ જાણી શકે. પરંતુ અકસ્માત સર્જનારાને તો જે સજા થવાની હશે તે થશે, પણ જેના બાળકો ગયા તેમની વેદના કોણ સાંભળશે ? છાશવારે આવા અકસ્માતો સર્જાય છે. ત્યારે વાહનચાલકો જો બેઘડી ધીરજ ધરીને વાહન હંકારે તો કોઈના ઘરનો જીવનદીપ બૂઝાય નહીં.
‘દુર્ઘટના સે દેર ભલી’ આ પંક્તિને આપણે આત્મસાત કરવી જ પડશે, નહિંતર આવા અકસ્માતો સર્જાતા રહેશે.
Recent Comments