અમદાવાદ, તા.૧૪
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે. ત્યારે નશાની પ્રવૃત્તિને નાથવા ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સિદ્ધપુર ખાતેથી એમડી ડ્રગ્સ અને અફીણના રૂા.રપ લાખના જથ્થા સાથે ચાર ડ્રગ્સ માફિયાઓને પકડી પાડ્યા હતા. જો કે, અગાઉ મુંબઈથી એમડી ડ્રગ્સ સહિતના ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા હતા. પરંતુ થોડા સમય પહેલા જ ક્રાઈમ બ્રાંચે મુંબઈથી ડ્રગ્સ લઈને આવલા ત્રણ આરોપીને દબોચી લીધા હતા. ત્યારબાદ હવે રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું નેટવર્ક શરૂ કરાયું હતું. પરંતુ ક્રાઈમ બ્રાંચ અને એટીએસએ આરોપીઓને દબોચી લઈ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરી સિદ્ધપુર પાસે એક હોટલમાં ભેગા થયેલા લોકોને ઝડપી પાડ્યા હતા. આ ચારેય આરોપીઓ એટલા સાતીર છે કે અગાઉ એક પણ વખત પોલીસના હાથમાં નથી આવ્યા. અલગ અલગ રૂટ મારફતે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે પ્લાનિંગ કરતો ઇમરાન શેખ મુખ્ય સૂત્રધાર છે. પોલીસે મુખ્ય ડ્રગ ડિલરોને પકડી મુંબઈ રૂટ પરથી અનેક વખત પકડ્યા બાદમાં માફિયાઓએ ગુજરાતમાં ડ્રગ ઘુસાડવા નવો રાજસ્થાન રૂટ પસંદ કર્યો છે. પોલીસે એમડી ડ્રગ્સ અને અફીણ સપ્લાય કરતા ચાર શખ્શો સુરેશ ઠક્કર ,જગદીશ માળી, મામા બ્રાહ્મણ અને ઇમરાન શેખની ૨૪૫ ગ્રામ એમડી ડ્રગ અને ૪૮૮ ગ્રામ જેટલા અફીણના રૂા.રપ લાખની કિંમતના જથ્થા સાથે ધરપકડ કરી હતી. સાથે જ મોબાઈલ રોકડ રૂપિયા અને બે કાર પણ કબજે કરવામાં આવી છે. જો કે, પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસે આંતરરાજ્ય ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે રાજસ્થાન રૂટ પણ જાહેર કરી નાખતા કમર તોડી છે. હાલ તો પ્રથમ વખત પકડાયેલા આ ચારેય આરોપીઓ અફીણ અને એમડી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં કોને આપવાના હતા? અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અલગ-અલગ ડીલરોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા તજવીજ હાથ ધરી છે.
Recent Comments