(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૫
સિદ્ધપુર ખાતે આજે ક્રાઈમ બ્રાંચ અમદાવાદ પોલીસ અને પત્રકારનો સ્વાંગ રચી ગેસ્ટહાઉસમાં કુટણખાનું ચલાવતા હોવાની ધમકી આપી રૂા.૩૪ હજારનો તોડ કરનાર અમદાવાદની બે મહિલા સહિત છ જણાની ટોળકી લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. સિદ્ધપુર ખાતે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી ગેસ્ટહાઉસમાં પોલીસનો બેલ્ટ પહેરી આવેલા શખ્સોએ તેઓ અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાંથી આવીએ છીએ અને સાથે બે મહિલા પત્રકારો પણ છે. તેવો રોફ જમાવી ગેસ્ટહાઉસના માલિક શૈલેષ અમરતલાલ પંચોલીને કહેલ કે, તમે ગેસ્ટહાઉસમાં કુટણખાનું ચલાવો છો તેમજ નાની ઉંમરના છોકરા-છોકરીઓને રૂમ ભાડે આપો છો તેમ કહીં ગુનો નોંધવાની ધમકી આપી રૂા.૧ લાખની માગણી કરી હતી અને છેવટે રૂા.૩૪ હજારનો તોડ કરી નજીકમાં જ આવેલ અંબાજી ગેસ્ટહાઉસમાં જઈ તેના માલિક દિપકભાઈ સાથે પણ એ જ ભાષામાં ઓળખ આપી વાત કરી હતી. દરમિયાન શૈલેષ પંચોલીને પોલીસ, પત્રકારના સ્વાંગમાં આવેલ આ ટોળકી ઉપર શક જતા અંબાજી ગેસ્ટહાઉસમાં જઈ પોલીસ આઈકાર્ડ બતાવવાનું કહેતા ટોળકીએ દિપકભાઈ પૈસા લઈ એલએસ હાઈસ્કૂલ પાસે આવવાનું કહી ગાડી નં.જીજે-૧-આર.ડબલ્યુ.-૧૦૧૦માં બેસી રવાના થયા હતા. બંને ગેસ્ટહાઉસના માલિકોએ પોતાના અન્ય સંબંધીઓને વાત કરી બે એક્ટિવા સાથે ગાડીનો પીછો કર્યો હતો અને એલએસ હાઈસ્કૂલ પાસે ગાડી રોકાવી ત્યાં એકત્ર થઈ ગયેલા લોકોના ટોળાએ પૂછપરછ કરતા નકલી પોલીસ અને પત્રકારનો સ્વાંગ રચી તોડ કરતા હોવાની વાતો પર્દાફાશ થયો હતો. મોટી સંખ્યામાં એકઠા થઈ ગયેલા નગરજનોએ આ શખ્સોના નામ પૂછતા ઈન્દ્રેશકુમાર જગન્નાથ ઓઝા, રાકેશ મણીલાલ પ્રજાપતિ, ભાવનાબેન નટવરલાલ મહેતા, રમીલાબેન વિષ્ણુભાઈ પટેલ, જયેશ સોમાભાઈ નાયક અને ભાવેશ અરવિંદભાઈ નાયક (રહે.તમામ અમદાવાદ) હોવાનું જણાવતા આ છ જણાની ટોળકીને સિદ્ધપુર પોલીસના હવાલે કરી શૈલેષ અમૃતલાલે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ પીએસઆઈ એ.એફ. ચૌધરીએ હાથ ધરી છે.