(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.પ
ગુજરાતમાં સામાન્ય વધ-ઘટ સાથે ઠંડીનું આક્રમણ જારી રહ્યું હતું ત્યાં આજરોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ઝરમર વરસદ પડ્યો હોવાના સમાચાર છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજી બે દિવસ આવું વાતાવરણ રહેશે આવું અનુમાન છે. વાદળછાયા વાતાવરણને લીધે ઠંડીના પ્રમાણમાં પણ આંશિક વધારો થવાની શક્યતા છે. આજે સવારથી જ આકાશમાં સૂર્યની ગેરહાજરી વર્તાતી હતી. સતત વાદળો છવાયેલા રહેતા વરસાદ પડશેની આશંકા હતી જે સાચી ઠરી હતી. બપોર બાદ અમદાવાદના પૂર્વના વિસ્તાર બાપુનગર તથા આસપાસના વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા જ્યારે ગાંધીનગર સહિત આસપાસના ભાગોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.
એ જ રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાંથી લઈ ઝરમર વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે શિયાળો જોઈએ તેવો જામ્યો નથી. ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પણ એકાદ બે અપવાદ સિવાય ઠંડીનો પારો સામાન્ય રહ્યો હતો. ત્યાં જ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાંથી એકાદ સપ્તાહ બાદ શિયાળો વિધિવત રીતે વિદાય લે તેવી શક્યતા છે.
દરમિયાન આજરોજ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં આંશિક વધ-ઘટ નોંધાઈ હતી. નલિયામાં સૌથી વધુ ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે વલસાડમાં ૧ર.૬, ભૂજમાં ૧૩.૮ ડિગ્રી સિવાય અન્યત્ર ૧૪થી ૧૮ ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

ઘઉં, જીરૂ, મકાઈના પાકને નુકસાનની
ભીતિ : રોગચાળો પણ વધી શકે

રાજ્યમાં સોમવારે વાતાવરણમાં પલટાને લીધે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને પડતા પર પાટુ માર્યા જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળતા નથી તેની ચિંતામાં ખેડૂતો માથે હાથ દઈ રૂદન કરી રહ્યા છે. ભારે વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદે તેમની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને ઘઉં, જીરૂં, મકાઈ જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે. જો લાંબો સમય આવું રહેશે તો પાકોને ભારે નુકસાન થઈ શકે છે. બીજી તરફ પલટાયેલા વાતાવરણને લીધે શરદી, ખાંસી તથા વાયરલ ઈન્ફેકશનના કેસોમાં પણ વધારો થઈ શકે છે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું
શહેર તાપમાન (ડિગ્રી)
નલિયા ૧૧.૬
વલસાડ ૧ર.૬
ભૂજ ૧૩.૮
દીવ ૧૪.૦
મહુવા ૧૪.ર
ડીસા ૧૪.૪
કંડલા (એરપોર્ટ) ૧૪.પ
વડોદરા ૧૪.૬
દ્વારકા ૧પ.૬
કંડલા (પોર્ટ) ૧પ.૮
પોરબંદર ૧૬.૦
ગાંધીનગર ૧૬.૦
અમરેલી ૧૬.૪
અમદાવાદ ૧૬.પ
રાજકોટ ૧૬.૭
વી.વી. નગર ૧૭.૧