ધંધુકા, તા.રર
રાજ્ય સરકાર સામે પાછલા ઘણા સમયથી તેમની પડતર માગણીઓને લઈ જે સરકારના જ એસ.ટી. વિભાગ, આરોગ્ય વિભાગ અને પ્રા.શિક્ષકો વખતોવખત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ જવાબ નહીં અપાતા રોષે ભરાયા છે. જિલ્લામાં આરોગ્ય વિભાગના વિવિધ કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ તેમની વિવિધ ૧૩ માગણીઓને ગત ૧પ ફેબ્રુઆરીથી હડતાળ પર છે. સંઘના આગેવાનોએ જણાવ્યું કે જ્યાં સુધી અમારી માગણી સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આ હડતાળમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર અને લેબોરેટરી ટેકનિશિયનો આ હડતાળમાં પાછલા ૮ દિવસથી અડગતાથી જોડાયા છે.
એસ.ટી. વિભાગના કર્મચારીઓની તા.ર૦/રની મધ્યરાત્રીથી શરૂ થયેલી હડતાલ ત્રીજા દિવસે પણ ચાલુ રહેતા લાખો મુસાફરો, વિદ્યાર્થીઓ અને પાસધારકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મુદ્દે કર્મચારી સંઘના ક્રિપાલસિંહ, મજૂર મહાજનના જગતસિંહ ઝાલા અને ભારતીય મજદૂર સંઘના તાહીરભાઈ કોઠારિયાએ જણાવ્યું કે સરકાર સામે અમારી વ્યાજબી માગણીઓ કહીને થાકી ગયા છીએ. એ સરકાર જ્યાં સુધી અમારી માંગોને સ્વીકારશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.જિલ્લા ભરના ૬૦૦૦ પ્રા.શિક્ષકોએ પણ તેમની પડતર માગણીઓને લઈ માસ સી.એલ. મૂકી હતી. શિક્ષક સંઘના અગ્રણી કલ્યાણયંગટાંક, વિક્રમભાઈ ખાંટ અને કિરીટસિંહ શિણોબે જણાવ્યું કે શિક્ષકોની વ્યાજબી માગણી બાબતે વારંવાર સરકારના દ્વાર અમોએ ખખડાવ્યા છે. પરંતુ દર વખતે ઢીલા વચનો અને ખોટા આશ્વાસનો જ મળ્યા છે.