(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર, તા.૩

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સગાની દરકાર કરીને અસામાન્ય પરિસ્થિતિમાં પણ સામાન્ય રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સોએ બાળકો દર્દીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સિવિલની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહેલા તમામ કોરોના દર્દીઓને સિવિલ તંત્ર દ્વારા સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરૂં પાડી રક્ષાબંધન ઉજવાયું હતું. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને વીડિયો કોલ કરીને સિવિલ તંત્ર દ્વારા તેમની બહેનોના સંપર્ક કરાવવામાં આવ્યા હતા. આ વીડિયો કોલના માધ્યમથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફે કોરોના વોર્ડમાં કોરોનાના દર્દીઓને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નર્સિંગ સ્ટાફે આઈસીયુ અને વેન્ટિલેટર પર રહેલા ભાઈઓને પણ રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય માટે તેમજ જલદીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. આ દુનિયામાં જેમનું કોઈ નથી તેવા દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્વારા રાખડી બાંધતાં હોસ્પિટલના વોર્ડમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલના સંવેદનશીલ તંત્ર અને સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરતાં સમગ્ર વોર્ડમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. મહિલા દર્દીઓએ પણ તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ રાખડી બાંધીને તેમની સેવા-સુશ્રૃષા કરવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી દર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતી એટેન્ડેન્ટ બહેનો દ્વારા દર્દીઓ માટે ખાસ પંચ તત્ત્વયુક્ત રાખડી તૈયાર કરી બાંધવામાં આવી હતી.