વડાપ્રધાન મોદીના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેકટની ધીમી ગતિની કામગીરી વચ્ચે જાપાનના દૂતાવાસે તસવીર જાહેર કરતાં સો.મીડિયામાં વાયરલ !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેકટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જેમાં તાજગીપૂર્ણ સમાચાર એ આવ્યા છે કે, જાપાની દૂતાવાસે બુલેટ ટ્રેનની તસવીર જાહેર કરી છે. બુલેટ ટ્રેનની પ્રથમવાર આ રીતે તસવીર જાહેર થતા લોકોની ઉત્સુકતા વધવા સાથે તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. ભારત સ્થિત જાપાની દૂતાવાસે બુલેટ ટ્રેનની તસવીર જાહેર કરી છે. તસવીરમાં આ ટ્રેન ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. લોકો આ ટ્રેનની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ કરી રહ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના પૂર્ણકરવા માટે ૨૦૨૩-૨૪ સુધીની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જાપાનની આ બુલેટ ટ્રેનને મોડિફાઈ કરીને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ પર બુલેટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના માટે ગુજરાતમાં જમીન સંપાદનની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે. બુલેટ ટ્રેનના ૫૦૮ કિલોમીટરના મુંબઈ-અમદાવાદ રૂટ પર તે ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે તેવી ઉમ્મીદ કરાઈ રહી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે ૫૦૫ કિલોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ પર ૯૮૦૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ આવશે. અનુમાન છે કે આ કોરિડોર પર ટ્રેનની ટોપ સ્પીડ ૩૭૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. બંને શહેરો વચ્ચેનું અંતર ૨ કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકાશે. રેલવે મંત્રીએ જૂનમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે, જે બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખાય છે, તેને ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાના લક્ષ્યને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજનાને જાપાના સરકારની નાણાંકિય અને ટેકનિકલ મદદથી પૂરી કરવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનામાં ઘણી અડચણો વચ્ચે આવી રહી છે. હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાની સમીક્ષા કરવાના આદેશ આપ્યા હતા. તે બાદ જેમની પાસેથી જમીન લેવામાં આવી રહી છે, તેવા આદિવાસીઓ અને ખેડૂતોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે.