(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
ગુજરાત સરકાર દ્વારા વિવિધ બાબતોનો વિકાસ કરવાના પ્રયાસો વચ્ચે અમદાવાદ શહેરમાંનું વધુ એક તળાવ મ્યુનિ. કોર્પોરેશનને વિકાસ માટે સોંપવાનો નિર્ણય લીધો છે. વેજલપુરના તળાવને હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશ હરવા-ફરવાના સ્થળ તરીકે વિકસિત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. તદ્‌અનુસાર અમદાવાદના વેજલપુર તાલુકાના સર્વે નં.૭૮૩માં આવેલી ૩ર,૦૭ર ચો.મી. ક્ષેત્રફળનું આ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવાશે. સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો તથા જૂન મહિનામાં ૧ તળાવ એમ કુલ પાંચ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે. રાજ્ય સરકારે જે પાંચ તળાવો મહાપાલિકાને સોંપ્યા છે તેમાં વટવાનું વાંદરવટ તળાવ, છારોડીનું સરકારી તળાવ તેમજ ગોતાનું ગામ તળાવ અને શીલજનું સરકારી તળાવ તથા ઘાટલોડિયા તાલુકાના સોલામાં આવેલ ગામ તળાવનો સમાવેશ થાય છે.