(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧ર
ગુજરાત સરકાર રાજકોટ-અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ સ્થાપવા જઈ રહી છે અને તેમાં ભાગીદારી કરવા રશિયન સરકારે તત્પરતા દર્શાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રશિયાના મુંબઈ સ્થિત કોન્સ્યૂલ જનરલ અને રશિયાના જાહેર સાહસ રશિયન રેલવેઝ આરઝેડડી ઈન્ટરનેશનલના અગ્રણીઓ આજે મુલાકાત બેઠક યોજી પ્રોજેક્ટમાં ભાગીદારી માટે ઉત્સુકતા દર્શાવી હતી. જેને પગલે હવે આ પ્રોજેક્ટને આગળ ધપાવવા તા.૧૪મી ફેબ્રુઆરીએ એક બેઠકનું આયોજન પણ કરાયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ અલ્કેસી સુરોવત્સેવ અને રશિયન રેલવેઝ આરજેડી ઇન્ટરનેશનલના વાલ્દીમીર ફિનોવની યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું કે રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સર્વાંગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે. આ કંપનીએ રશિયામાં સેન્ટ પિટ્‌સબર્ગથી મોસ્કો સુધી ૬૨૫ કિ.મી. લંબાઈનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે અને આ અંતર માત્ર ૩ કલાક, ૧૫ મિનિટમાં કાપી શકાય છે. રાજકોટ-અમદાવાદ વચ્ચેનો આ પ્રોજેક્ટના ડીપીઆર ગુજરાત સરકારની જી-રાઇડ કંપની તૈયાર કરે તે પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઇનાન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ ગુજરાત – ભારત સરકાર સાથે પરામર્શ કરી આગળ વધશે તેવી ખાતરી તેમણે આપી હતી. ડિઝાઇન તૈયાર થયાના ૨ વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ રાજકોટ-અમદાવાદના માર્ગ પરના ભારે ટ્રાફિક ભારણને ઘટાડવા અને આ બે શહેરો વચ્ચે ઝડપી મુસાફરી તથા સમગ્ર વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં આ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ અતિ મહત્વપૂર્ણ બની રહેશે તેમ બેઠકની ફળદાયી ચર્ચાઓ દરમિયાન જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત સરકારના રેલવે મંત્રાલય સાથે આ રશિયન સાહસે ભારતમાં રેલવે આધુનિકીકરણ, મોડર્ન સિગ્નલિંગ વગેરે માટે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન કરેલા છે અને હવે ગુજરાતમાં પણ આ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે તેઓ જી-રાઇડ કંપની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે. વાલ્દીમીર ફિનોવે ગુજરાતમાં પોર્ટસથી ફ્રેઇટ કોરિડોર્સ માટે રેલવે કનેકટીવીટી વધારવા તેમજ પેસેન્જર રેલવે અને માલ વાહક ટ્રેનની હયાત સ્પીડ વધારવા માટેના નવા પ્રોજેકટ્‌સ માટે પણ સહયોગ આપવાની ઇચ્છા દર્શાવી હતી.