આણંદ, તા.૩૦
આણંદની ચિખોદરા ચોકડી નજીક આવેલી ગેલોપ્સ હોટેલ પાસે ખેડા એસીબી પોલીસે છકટુ ગોઠવી અમદાવાદ રેન્જના આઈજીની આર આર સેલના પોલીસ કોન્સ્ટેબલને ૭૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જો કે, લાંચની રકમ લઈને પોલીસ કોન્સ્ટેબલનો સાગરીત ફરાર થઈ ગયો હતો. જે બનાવ અંગે આણંદ એસીબી કચેરીમાં પોલીસ કોન્સટેબલ અને તેનાં સાગરીત વિરૂદ્ધ એસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લાના ચકલાસી ગામે રહેતો દિલીપ ઈંગ્લીશ દારૂનો ધંધો કરતો હોઈ આજથી ત્રણ દિવસ અગાઉ અમદાવાદ રેન્જની આર આર સેલ સ્ક્વોર્ડનાં પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલએ છાપો મારી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.દિલીપભાઈ વિરૂદ્ધ દારૂનો કેસ નહીં નોંધવા બાબતે પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહએ દિલીપ પાસે ૮ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે સાત લાખ રૂપિયા નક્કી કર્યા હતા. એમ કુલ રૂપિયા છ લાખ ત્રીસ હજાર લઈ લીધેલ ત્યારબાદ પણ બાકીના રૂા.૭૦,૦૦૦/ની લાંચની રકમ માટે કુલદીપસિંહએ દબાણ કરતા કમલેશભાઈએ આ અંગે એસીબીમાં ફરિયાદ આપી હતી જેનાં આધારે એસીબી પોલીસે મોડી સાંજના સુમારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં આણંદની ચિખોદરા ચોકડી પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ કુલદીપસિંહ ૭૦ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ત્યારબાદ ઝપાઝપી થતાં કુલદિપસિંહનો સાગરિત ૭૦,૦૦૦ લઈ ફરાર થઈ ગયો હતો. ખેડા એસીબી કચેરીના પી.આઇ.વી.આર.ચૌહાણએ આ અંગે આણંદ એસીબી કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ અને તેના સાગરીત હાર્દિક શાહ વિરૂદ્ધ લાંચ રૂશ્વત નિયંત્રણ ધારા હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા હાર્દિક શાહને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.