(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
અમદાવાદમાં કોરોનાને અટકાવવામાં આંશિક સફળતા મળી રહી છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ પહેલાના ૧૦ દિવસ અને જુલાઈના પ્રથમ ૧૦ દિવસના પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકનું વિશ્લેષણ કરતા પોઝિટિવ કેસોમાં ૨૨ ટકા અને મૃત્યુમાં ૪૫.૭ ટકાનો ધટાડો થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા ૧૭૮ કેસ અને ૪ લોકોનાં મોત થયા છે. જેથી હવે કુલ કેસોની સંખ્યા ૨૨૯૫૩ અને કુલ મૃત્યુઆંક ૧૫૧૧ પર પહોંચી ગયો છે. અમદાવાદ જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૨૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આંકડાઓનું વિશ્લેષણ કરતા ૨૧થી ૩૦ જૂન સુધીમાં જિલ્લામાં ૨,૩૪૯ કેસ નોંધાયા હતા અને ૫.૫% ના દરથી ૧૨૯ મૃત્યુ થયા હતા.
જ્યારે જુલાઈ ૧થી ૧૦ સુધીમાં આંકડા અનુક્રમે ૧,૮૩૨ અને ૭૦ પર આવી ગયા હતા, પરિણામે મૃત્યુ દર ૩.૮% રહ્યો. ૯મી જુલાઈ સિવાય અમદાવાદ જિલ્લો મૃત્યુદરમાં ટોપ પર રહ્યો છે. આ કેસોના વિશ્લેષણમાં જણાયું છે કે જુલાઈમાં ૧,૮૩૨ માંથી માત્ર ૧૦૫ કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની બહાર નોંધાયા હતા, કારણ કે આ ૯૪.૨ ટકા કેસો શહેરી વિસ્તારમાંથી સામે આવ્યા હતા.
ગુજરાતમાં રાજ્યમાં પણ હવે સતત ૮૦૦થી વધુ કેસ નોંધાતા કુલ આંકડો ૪૧૦૦૦ને પાર (૪૧૦૨૭) થયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ દર્દીઓનું મોત થતાં કુલ મૃત્યુઆંક પણ ૨૦૩૪ થયો છે. રાજ્યમાં ૮૭૨ દર્દીઓ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યાં છે તો પોઝિટિવ કેસના આશરે ૫૦%થી વધુ એટલે કે ૫૦૨ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમાં અમદાવાદના ૧૨૬, સુરતના ૧૩૬ અને વડોદરાના ૬૮નો સમાવેશ થાય છે. ગુજરાતમાં હાલ ૨૪.૮ ટકા એક્ટિવ કેસ છે. જ્યારે ૭૦.૧ ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો ૫.૧ ટકા દર્દી મોતને ભેટ્યા છે.
૭૭૧૭ ટેસ્ટ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૫૭,૦૬૬ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કુલ ૩,૧૬,૭૭૪ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૩,૧૩,૯૬૪ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. તો ૨,૮૧૦ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જ્યારે કુલ એક્ટિવ કેસ ૯૯૪૮ માંથી ૬૮ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૦૨૩૫ની હાલત સ્થિર દર્શાવવામાં આવી રહી છે.