અમદાવાદ, તા.૨
અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુ.જાતિ-જનજાતિ અત્યાચાર ધારા-૧૯૮૯ને બિનઅસરકારક કરવાના વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલની અધ્યક્ષતામાં બપોરે અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવેલ કે, ડૉ.બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું છે અને તેમનાથી ઉપર કોઈ નથી. જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ખોટું અર્થઘટન કરીને જે સંસદે કાયદો ઘડ્યો હોય તે કાયદાને ફેરફાર કરવાની દખલગીરી કરી હોય તો તે બાબાસાહેબ આંબેડકરનું અપમાન છે. તા.૨૦મી માર્ચના રોજ બનેલી ઘટના પછી ભાજપ સરકારની મનુવાદી વિચારધારા દેખાઈ આવે છે. જો સરકાર દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હોત તો આજે આ બંધનું એલાન ન હોત. દલિત તેમજ આદિવાસીઓમાં અ ચુકાદાથી અસલામતીની ભાવના તથા ભયની લાગણી પ્રવર્તે છે. જો સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે નહીં તો અમે ભય વ્યક્ત કરીએ છીએ. આ બાબત એક રાષ્ટ્રીય આપત્તિ બની જશે. આ આવેદનપત્ર દ્વારા અમો આપને દલિતોને સહાયક થવા અને આ કટોકટીમાંથી મુક્ત કરવા વિનંતી કરીએ છીએ. આજના આ કાર્યક્રમમાં અ.મ્યુ.કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, અ.મ્યુ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, અમદાવાદ યુથ કોંગ્રેસના પ્રમુખ ભૂમન ભટ્ટ, સેવાદળના મુખ્ય સંગઠક કિરણ પ્રજાપતિ સહિત કાઉન્સિલર શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.