(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૫
જીવલેણ અને ખતરનાક બનેલા કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક અને ઝડપી વધારો જારી રહ્યો છે. લોકડાઉનની સ્થિતીમાં દેશના તમામ રાજ્યોમાં વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સ્થિતી બેકાબુ બનેલી છે.બીજી બાજુ કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જ્યાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે તે અમદાવાદ, સુરત, હૈદરાબાદ, ઠાણે અને ચેન્નાઇ માટે ખાસ પ્લાન તૈયાર કરવાની હિલચાલ ચાલી રહી છે. આ તમામ પાંચેય શહેરમાં લોકડાઉન અને અન્ય કેન્દ્રિય આદેશોને યોગ્ય રીતે પાળવામાં આવી રહ્યા નથી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ શહેરોમાં સ્થિતી વધારે વણસી શકે છે. આ તમામ હોટસ્પોટને લઇને કેન્દ્ર સરકાર ગંભીર દેખાઇ રહી છે. આ શહેરોમાં પોલીસ ટીમ પર હુમલા, આરોગ્ય ટીમ પર હુમલાના બનાવો સપાટી પર આવ્યા છે. કેટલીક જગ્યાએ લોકડાઉન અને ગાઇડલાઇન્સને ન પાળવાના મામલા સપાટી પર આવ્યા છે. દરમિયાન કોરોનાના કેસોની સંખ્યા દેશમાં હવે ૨૫ હજારની નજીક પહોંચવા આવી છે. ૧૧ રાજ્યોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ, સાફ સફાઇ અને જાગરુકતાના કારણે કોરોનાની કમર તોડી નાંખવામાં આવી છે. ૧૧ રાજ્યોમાં ૧૧ ટકા કોરોના ખતમ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોરોનાના કેસોમાં વધારો થવાની ગતિ પણ વધી રહી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનની અવધિ એક માસની થઇ ચુકી છે. આ ગાળા દરમિયાન કેસોની સંખ્યા ૫૦૦થી વધીને ૨૪ હજારની નજીક પહોંચી ગઇ છે. ૨૩મી માર્ચના દિવસે કોરોના ૪.૫ ટકાના દરથી વધી રહ્યો હતો. જેની ગતિ ૨૩મી એપ્રિલના દિવસે પણ આજ રહી હતી. આંકડો એમ મોટો લાગે છે પરંતુ અન્ય દેશોની સરખામણીમાં આંકડો ઓછો છે. સરકારે એક મહિનાના ગાળાને કોરોનાની ગતિ પર બ્રેક મુકવા માટે ખુબ નિર્ણાયક ચરણ તરીકે ગણાવીને વાત કરી છે. કોરોના ટેસ્ટમાં ૩૩ ટકાનો વધારો થયો છે. નવા કેસમાં ૧૬ ટકાનો વધારો થયો છે. કેસોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સંખ્યા ૬૮૧૭થી ઉપર પહોંચી ગઇ છે. દેશમાં કુલ કોરોના કેસો પૈકી ૮૪ ટકા કેસો માત્ર મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યા છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડુ, કેરળ અને પંજાબમાં પણ કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં જે કેસો આવ્યા છે તે પૈકી જમાત સાથે જોડાયેલા લોકો વધારે રહ્યા છે. વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશના ૫૯ જિલ્લા કોરોનામુક્ત થઇ ચુક્યા છે. અહીં છેલ્લા ૧૪ દિવસમાં કોઇ કેસ નોંધાયા નથી. કર્ણાટકમાં કોડુગીમાં ૨૮ દિવસમાં કોઇ કેસ નથી.ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદથી કેસોની સંખ્યા ટુંકા ગાળામાં જ ૨૫ હજારની નજીક પહોંચી ગઇ છે. દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.

વિશ્વમાં કોરોના પ્રકોપ
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૨૮,૬૩,૦૭૪
વિશ્વના કુલ દેશોમાં મોતની સંખ્યા ૧,૯૯,૪૮૬
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૮,૧૬,૦૦૩
એક્ટિવ કેસોની સંખ્યા ૧૮,૪૭,૫૮૫
ભારતમાં કેસો ૨૫૦૫૭
ભારતમાં એક્ટિવ ૧૮,૫૨૭
ભારતમાં રિકવર ૫,૭૩૬
ભારતમાં મોત ૭૯૪