(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
અમદાવાદ સહિત રાજ્યમાં દિલ્હી મરકઝથી આવેલા તબ્લીગ જમાતના લોકો સ્થાનિક આગેવાનોની સમજાવટથી સામે આવી પોલીસ અને તબીબી અધિકારીઓનો સંપર્ક કરી સ્વૈચ્છિક રીતે તબીબી તપાસ માટે અને કવોરેન્ટાઈન માટે સહકાર આપી રહ્યા છે ત્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તબ્લીગ જમાતના આગેવાન માસ્ટર આરીફ અને જમિયતે ઉલ્માના મુફતી અબ્દુલ કૈયુમ સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાને મીડિયાના માધ્યમથી તથા પત્ર લખીને વિનંતી કરી છે કે અમદાવાદ સહિત રાજ્યના બીજા તબ્લીગ જમાતના સભ્યોના નામ આપશો તો અમે બન્ને આગેવાનોની મધ્યસ્થતાથી ર૪ કલાકમાં જ તબીબી તપાસ માટે મોકલી આપીશું. તેમ જણાવ્યું હતું. આજ તા.૭-૪-ર૦ર૦ને મંગળવારના રોજ મનસુરી મસ્જિદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની બાજુમાં ઢાલગરવાડ ખાતે આવેલ ખજુરીની મસ્જિદમાંથી કાશ્મીરથી આવેલ જમાતમાંથી આવેલા ર૬ લોકો અને જમાલપુર ખાતે આવેલ ખાનજાન મસ્જિદમાં કર્ણાટકથી આવેલા ૧ર લોકોએ સ્વૈચ્છિક રીતે સામેથી ચાલીને પોલીસ અને તબીબી અધિકારીઓનો સંપર્ક કરતાં આજે તબીબી અધિકારીઓ આવ્યા હતા અને કવોરેન્ટાઈન માટે માસ્ટર આરીફ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અનેં ઈમરાન ખેડાવાલાની હાજરીમાં તેઓને લઈ ગયા હતા. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, તબ્લીગ જમાતના આગેવાન માસ્ટર આરીફ અને જમિયતે ઉલ્માના મુફતી અબ્દુલ કૈયુમ તેમજ તંત્રના અધિકારીઓના સંયુકત કાર્યથી જમાતના લોકો સ્વૈચ્છિક રીતે તપાસ કરાવી રહ્યા છે અને કવોરોન્ટાઈન થઈ પૂરેપૂરો સાથ સહકાર અને પ્રસાશનને આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે બાકી રહેતા બે સ્થળો ગંજ શૌહદા કબ્રસ્તાન, દાણીલીમડા અને મિલ્લતનગર મળી કુલ બે જમાતના અંદાજે ર૬ લોકો કવોરેન્ટાઈનના માટે બાકી રહે છેે. તેમને પણ સ્વૈચ્છિક તબીબી તપાસ માટે તબીબી અધિકારીઓ તેમજ તંત્રને સામેથી જાણ કરી દેવામાં આવી છે. આ પહેલા પણ ૬૦ જેટલા લોકો દરિયાપુર મલેક અહેમદની મસ્જિદથી, ૧૬ જેટલા લોકો શાહપુર સુબરાતી શાહ મસ્જિદથી અને ૩૦ જેટલા લોકો જુહાપુરાથી, ર૮ જેટલા લોકો દાદામિયાની મસ્જિદ, મરકઝ દરિયાપુર તેમજ શાહપુર ડોડીયાવાડ અને બુરખાપોશ મસ્જિદના જમાતમાંથી આવેલા રર લોકોએ સ્વૈચ્છિક રીતે સામેથી ચાલીને તબીબી તપાસ પણ કરાવી ચૂકયા છે તેઓને કવોરોન્ટાઈન માટે પણ લઈ ગયેલ છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને મુફતી અબ્દુલ કૈયુમે લોકોને અપીલ કરી હતી કે, જે કોઈ લોકો તાજેતરમાં ગમે ત્યાં બહારગામ જઈ આવ્યા હોય તે લોકો સ્વૈચ્છિક રીતે બહાર આવે અને પોલીસ તથા તબીબોનો સંપર્ક કરી પોતાનું ચેકઅપ કરાવે.

શરમમાં હાથ લાંબો કરી ન શકનાર મધ્યમ વર્ગના કાર્ડધારકને મફત અનાજ આપો

અમદાવાદ, તા.૭
હાલ રાજ્યમાં ચાલતી લોકડાઉનની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. મધ્યમ વર્ગ કોઈને કહી પણ શકતો નથી અને મધ્યમ વર્ગ કોઈને કહીં પણ શકતો નથી અને શરમથી કોઈની સામે હાથ પણ લંબાવી શકતો નથી આથી સૌથી દયનીય અને કફોડી સ્થિતિમાં જીવી રહેલા મધ્યમ વર્ગના એપીએલ કાર્ડધારકોને મફતમાં અનાજ આપવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી માંગ કરી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રસંશનીય રીતે લોકડાઉનની પરિસ્થિતિમાં ૩.પ કરોડ ગરીબ-નિઃસહાય લોકોને રેશનિંગ દુકાનોમાંથી અંત્યોદય કાર્ડધારકો (એએવાય) તેમજ અગ્રતા ધરાવતા કાર્ડધારકો (પીએચએચ) તથા રેશનકાર્ડ વિહોણા પરપ્રાંતિય અને નિરાશ્રીતોને અન્ન બ્રહ્મ યોજના અન્વયે વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ આવકારદાયક બાબત છે. પરંતુ લગભગ ર.૭પ કરોડ એપીએલ (ર) કાર્ડ ધારકો કે જેઓ અંશતઃ મધ્યમ વર્ગના છે. હાલના વિકટ સમયે જ વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉનને કારણે મધ્યમ વર્ગ ઉપર આકસ્મિક રીતે દુઃખનો મોટો આભ તૂટી પડ્યો છે. રાજ્યના કુલ ૬.રપ કરોડમાંથી ૩.પ કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપી દેવાતા હવે ર.૭પ કરોડ એપીએલ કાર્ડ ધારકો જ બાકી રહે છે. ર.૭પ કરોડ એપીએલ કાર્ડધારકો પૈકી અંદાજે ૧.રપ કરોડ જેટલા લોકો સુખી, સંપન્ન સહિત શ્રેષ્ઠી દાતા પરિવારના છે કે જ્યારે બાકીના ૧.રપ કરોડ લોકો સ્વૈચ્છાએ અનાજ નહીં લે તે બાબત વિશ્વાસપૂર્ણ રીતે માની શકાય માટે આજની અકલ્પનીય પરિસ્થિતિ અને મહામારીનો કામચલાઉ ધોરણે અંત આવે ત્યાં સુધી આવા એપીએલ કાર્ડધારકોને પણ માનવતાના ધોરણે વિનામૂલ્યે અનાજ આપવું જોઈએ.