અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં અનેક સ્થળોએ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારના રોજ રાજ્યના તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા, આણંદ, ધાનેરા, નડિયાદ, વાપી, મહુવા, માણાવદર, પોરબંદર, ગોરસર, પેટલાદ, જંબુસર, ભાવનગર અને પારડીમાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે બુધવાર બપોર બાદ અમદાવાદમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં દસ દિવસના વિરામ બાદ વરસાદ થતાં બફારાથી પરસેવે રેબઝેબ લોકોને રાહત મળી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. વાત કરીએ સૌરાષ્ટ્રની તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બોટાદના બરવાડામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યારે અમરેલીના બાબરા અને રાજુલા પંથકના અનેક ગામડાઓમાં વરસાદ પડયો હતો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જ્યારે ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયાના અહેવાલો સાંપડ્યા છે. જામનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. બનાસકાંઠાના ધાનેરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નડિયાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ થયો હતો જ્યારે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ૪૮ કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. હાલ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ લો-પ્રેશર સિસ્ટમને પગલે વરસાદ પડવાની સંભાવના છે. સામાન્ય વરસાદમાં જ અનેક સ્થળોએ પાણી ભરાતા તંત્રના પ્રિ-મોનસુન પ્લાનની પોલ ખુલી જવા પામી છે.

બાબરા અને ગોંડલમાં વીજળી પડતાં બે ખેડૂતોનાં મોત

અમદાવાદ, તા.ર૪
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમરેલીમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ થયો છે. વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બાબરાના નડાળા ગામે વરસાદી માહોલમાં વીજળી પડતાં વાડીમાં કામ કરતાં ખેડૂત દિનેશભાઈ નાનજીભાઈ સોલંકીનું મોત નિપજ્યું હતું જ્યારે ગોંડલના રીબડા ગામમાં વાડીમાં કામ કરતાં ખેડૂત પર વીજળી પડતાં મોત નિપજ્યું હતું.