(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં લૂંટ, ખૂન, ધાડ, ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, ઘરફોડ ચોરી, રાયોટિંગ, આકસ્મિક મૃત્યુ, અપમૃત્યુ અને ખૂનની કોશિશ જેવા કેટલા બનાવો બન્યા તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. આંકડાઓ પરથી જણાય છે કે, તમામ પ્રકારના ગુનાઓમાં અમદાવાદ પ્રથમ ક્રમે છે, જ્યારે સુરત બીજા અને રાજકોટ ત્રીજા ક્રમે આવે છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રી (ગૃહ)એ આપેલી લેખિત માહિતી મુજબ રાજ્યમાં બે વર્ષમાં લૂંટ ર૪૯૧, ખૂનના ર૦૩૪, ધાડના પપ૯, ચોરીના ૨૫૭૨૩, બળાત્કારના ર૭ર૦, અપહરણના પ૮૯૭, આત્મહત્યાના ૧૪૭૦૨, ઘરફોડ ચોરીના ૭૬૧૧, રાયોટિંગના ૩૩૦૫, આકસ્મિક મૃત્યુના ૨૯૨૯૮, અપમૃત્યુના ૪૪૦૮૧ અને ખૂનની કોશિશના ર૧૮૩ બનાવો નોંધાયા છે. આ બધામાં ચોંકાવનારી બાબત એ છે કે, રાજ્યભરમાં નોંધાયેલા તમામ ગુનાઓમાં સૌથી વધુ બનાવો અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ આવે છે. રાજ્યમાં લૂંટના ર૪૯૧ બનાવોમાં અમદાવાદમાં સૌથી વધુ ૭૦૫, સુરતમાં ૩૯૬ અને વડોદરામાં ૧૫૮, ખૂનના ર૦૩૪, બનાવોમાં સુરતમાં ર૯ર, અમદાવાદમાં ૨૪૯ અને રાજકોટમાં ૧૨૯, બળાત્કારના ૨૭૨૦, બનાવોમાં અમદાવાદમાં ૫૪૦, સુરતમાં ૪૫૨, રાજકોટમાં ૧૫૮ તથા વડોદરામાં ૧૩૯, અપહરણના ૫૮૯૭ બનાવોમાં સુરતમાં ૯૩૫, અમદાવાદમાં ૮૩૫ અને રાજકોટમાં ૪૨૩ બનાવો જ્યારે આત્મહત્યાના ૧૪૭૦૨ બનાવોમાં સુરતમાં ૨૧૫૩, અમદાવાદમાં ૧૯૪૧ તથા રાજકોટમાં ૧૬૫૧ બનાવો નોંધાયા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યમાં બે વર્ષમાં આત્મહત્યાના ૧૪૭૦૨, આકસ્મિક મૃત્યુના ૨૯૨૯૮, અપમૃત્યુના ૪૪૦૮૧ બનાવો મળી કુલ ૮૮૦૮૧ નાગરિકોએ જીવન ટૂંકાવ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસ આત્મહત્યાના બનાવો ન વધે તે માટે આત્મહત્યાના બનાવોને આકસ્મિક મૃત્યુ કે અપમૃત્યુમાં ખપાવે છે. રાજ્યમાં દરરોજ ૧ર૦ કરતા વધુ નાગરિકો, યુવાન અને યુવતીઓ આત્મહત્યા કે અકુદરતી રીતે મૃત્યુ પામે છે.