(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
ભારતમાં લોકડાઉનના એક મહિનાના સમયગાળા દરમિયાન કોવિડ-૧૯ના કેસોમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત કોવિડ-૧૯થી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો તરીકે ઉદ્‌ભવ્યા છે. આ ત્રણે રાજ્યોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા દેશના કુલ કેસોના લગભગ ૪૯.૫ ટકા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ ગંભીર છે. જ્યારે હૈદરાબાદ અને તમિળનાડુના પાટનગર ચેન્નઇમાં પણ કોરોના વાયરસની સ્થિતિ અમદાવાદ અને ગુજરાત જેવી જ છે. દરમિયાન, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસે ૩૭ લોકોનો ભોગ લીધો છે અને કોવિડ-૧૯ના ૧૬૮૪ કેસ પોઝિટિવ નોંધાવ્યા હોવાથી શુક્રવારે કુલ કેસોની સંખ્યા વધીને ૨૩,૦૭૭ થઇ ગઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૭૧૮ થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયે એવું પણ જણાવ્યું છે કે દેશના ૧૫ જિલ્લાઓમાં છેલ્લા ૨૮ દિવસથી કોરોના વાયરસનો કોઇ પણ નવો કેસ નોંધાયો નથી.