(એજન્સી) તા.૧૩
અમદાવાદના લઘુમતી પ્રભુત્વ ધરાવતા શાહપુર અડ્ડા વિસ્તારમાં ૮ મેના રોજ લોકડાઉન પાળવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ફાટી નીકળેલી અથડામણ અંગેના મીડિયા અહેવાલોથી વિતરિત હવે એવા તથ્યો બહાર આવી રહ્યા છે કે પોલીસે વૃદ્ધો, વિકલાંગો અને ગર્ભવતી મહિલાઓ સહિત અનેક લોકોને દ્વેષપૂર્ણ રીતે ફટકાર્યા હતા. એક સાક્ષીએ નામ ન આપવાની શરતે વરિષ્ઠ એડવોકેટ સુહેલ તિરમિઝીને જણાવ્યું હતું કે ઈફતાર સમયે કેટલીક મહિલાઓ ખરીદી કરવા બહાર નીકળી હતી, ત્યારે પોલીસે તેમને માર માર્યો હતો. આથી લોકો ભયભીત થઈ ગયા હતા અને પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો. પોલીસે ટિયરગેસ શેલ છોડવાની શરૂઆત કરી હતી અને લોકોના ઘરોમાં ઘૂસી તેમની સાથે મારપીટ કરી હતી. આ સાક્ષીએ આગળ જણાવ્યું હતું કે પોલીસે ઘણા પુરૂષોની ધરપકડ કરી હતી. હવે સમગ્ર વિસ્તાર લગભગ પુરૂષો વગરનું થઈ ગયું છે. પોલીસ બીજા દિવસે સવારે પણ આવી હતી અને ધરપકડોનો બીજો રાઉન્ડ ચલાવ્યો હતો. અનેક સ્થાનિકો સાથે આ મુદ્દે ચર્ચા કરનાર એડવોકેટ ઈરશાદ મન્સુરીએ કહ્યું હતું કે જ્યારે એક મહિલા સ્થાનિક ડેરીએથી દૂધ લઈને પરત ફરી રહી હતી ત્યારે આ સમસ્યાની શરૂઆત થઈ હતી. પોલીસે આ મહિલાને રોકીને પૂછ્યું હતું કે શું તે ડેરીમાં દૂધ સિવાય અન્ય વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અને ત્યારબાદ પોલીસે ડેરી પર દરોડો પણ પાડ્યો હતો. અમદાવાદમાં સંપૂર્ણપણે લોકડાઉન છે અને ફકત દૂધ અને દવાઓના વેચાણની છૂટ છે પરંતુ તે મહિલા સાથે મારપીટને કાયદેસરતા કેવી રીતે બક્ષી શકે છે ? એડવોકેટ મન્સુરીએ કહ્યું હતું કે વધુ એક કેસમાં એક મહિલા વઝુ કરી રહી હતી. તેની પાણીની ટાંકી ઘરની બહાર હતી આથી તે ઘરની બહાર નીકળી હતી. પરંતુ પોલીસે આ વાત સ્વીકારી ન હતી અને તે મહિલા સાથે કથિત મારપીટ કરી હતી. આટલું જ નહીં જ્યારે તેની ગર્ભવતી દીકરી બહાર આવી ત્યારે તેને પણ છોડવામાં ન આવી. એડવોકેટ મન્સુરી મુજબ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે ફકત મહિલાઓ અને બાળકો સાથે મારપીટ જ કરી ન હતી પરંતુ ઓછામાં ઓછા ર૪ પુરૂષો અને યુવાનોની આ ઘટના સંદર્ભે ધરપકડ કરી હતી. દેશ ટીવીએ એવી અનેક મહિલાઓની આપવીતી દર્શાવી હતી જેમની સાથે પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હતી. એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે પોલીસે દૃષ્ટિની સમસ્યા ધરાવતા ૮૭ વર્ષીય વૃદ્ધ સાથે પણ નિર્દયતાથી મારપીટ કરી હતી. આ ચેનલે પોલીસ દ્વારા કથિત રીતે તોડવામાં આવેલા બારણાઓની ફૂટેજ પણ દર્શાવી હતી. આ દરમ્યાન પોલીસે ૧૭ લોકો વિરૂદ્ધ આઈ.પી.સી.ની. ધારા ૩૦૭, ૩૩૭, ૩૩ર, ૩૩૩, ૧૮૬, ૧૪૩, ૧૪પ, ૧૪૭, ૧૪૯,૧પ૧, ૧પર, ૧૮૮, ૧ર૦(બી) અને ૪ર૭ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરી હતી. આ એફ.આઈ.આર.માં કહેવામાં આવ્યું હતું કે જ્યારે સાંજે ૬ઃ૧પ વાગે પોલીસ એસ.આર.પી. સાથે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ઘરની બહાર ત્રણ લોકો દેખાયા હતા. જ્યારે તેમને ઘરમાં જવાની વિનંતી કરવામાં આવી ત્યારે તેમણે પોલીસ સામે દલીલો કરી હતી અને થોડા સમયમાં જ ર૦૦૦ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને તેમણે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર આર.કે.અમીન અને અન્ય પાંચ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.
(સૌ. : સબરંગ ઈન્ડિયા.ઈન)