નવી દિલ્હી, તા.૨
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા ચીની કંપની વીવો સાથેનો નફાકારક કરાર તોડવાના મૂડમાં નથી. બોર્ડના અધિકારીએ કહ્યું કે અમને ફાયદો થશે, તો જ અમે કરાર સમાપ્ત કરવા અંગે વિચારણા કરીશું અને ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્યારે, બેઠકની તારીખ નિશ્ચિત નથી. મોબાઇલ કંપની વીવો આઈપીએલ ની ટાઇટલ સ્પોન્સર છે, જે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને ૪૪૦ કરોડ ચૂકવે છે. કંપની સાથે આઈપીએલ નો ૫ વર્ષનો કરાર ૨૦૨૨માં સમાપ્ત થશે. બીસીસીઆઈએ કોરોના વાયરસને કારણે આ વર્ષે ૨૯ માર્ચથી યોજાનારી આઈપીએલ પહેલા જ સ્થગિત કરી દીધી છે. બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટ અંગે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તે જ સમયે, વીવો સાથેના કરારને લઈને સમીક્ષા કરવામાં આવશે. જો કે, આ બેઠક ક્યારે થશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.બેઠકમાં સામેલ થનાર વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ અને એશિયા કપ થશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં આઈપીએલ પર બેઠક કેવી રીતે યોજાય? હા, અમારે સ્પોન્સરશિપનો રિવ્યૂ કરવાનો છે, પરંતુ હજી સુધી કરારને તોડવા અથવા મુલતવી કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.” તાજેતરમાં ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અધિકારીએ કહ્યું, “અમે કહીએ છીએ કે સ્પોન્સરશિપનો રિવ્યૂ કરવાનો બાકી છે. રિવ્યૂનો અર્થ એ છે કે, તમામ નિયમો અનુસાર કરાર નક્કી કરવામાં આવશે. જો કરાર તોડવાનો નિર્ણય વીવોની તરફેણમાં રહેશે, તો પછી અમે દર વર્ષે ૪૪૦ કરોડ રૂપિયાનો કરાર સમાપ્ત કરવાનું કેમ નક્કી કરીશું. જ્યારે તે બધું અમારા પક્ષમાં હોય ત્યારે જ અમે કરારને તોડવાનો નિર્ણય કરીશું.”