(એજન્સી) તા.૧૧
નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે આ આંદોલનમાં ખેડૂતોની સાથે જીવનના વિવિધ ક્ષેત્રના લોકોનો ટેકો પણ તેઓને મળી રહ્યો છે. દેશના દરેક સ્થળોએથી લોકો જોડાઈ રહ્યા છે અને તેમાં એક વિભાગ, ખાસ કરીને પંજાબના ખેલાડીઓનો છે, જેમણે વિરોધ સ્થળોએ પડાવ લગાવ્યો છે અને તેઓ પોતાની વિવિધ રીતે આ ખેડૂતોને આંદોલનમાં પોતાનો ટેકો આપી રહ્યા છે.
પંજાબના કબડ્ડી ખેલાડીઓ અને વેઇટલિફ્ટરના એક જૂથે સિંધુ દિલ્હી-હરિયાણા બોર્ડર પર વિરોધ સ્થળ પર મિની-જિમ બનાવ્યું છે. તેઓ કહે છે કે, તેમનો આ વિરોધ ખેડૂતો અને યુવાનોને પોતાનો વિરોધ ચાલુ રાખીને અહી આવીને તેઓને સમર્થન આપવાનો અને તેઓને વ્યાયામ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ઈન્ડિયા ટુડે ટીવી સાથે વાત કરતા, પંજાબના સિનિયર કબડ્ડી ખેલાડી, બીટ્ટુસિંહે કહ્યું હતું કે સરકાર કહે છે કે પંજાબના યુવાનો ડ્રગ્સમાં સંડોવાયેલા છે, પરંતુ અમે તેમને ખોટા સાબિત કરવા માગીએ છીએ.
તેમણે કહ્યું કે “અમે તેમને કહેવા માંગીએ છીએ કે પંજાબનું ભવિષ્ય ડ્રગ્સ સાથે નથી. અમે અહીં સંપૂર્ણ વિરોધ કરી રહ્યા છીએ અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન પણ અમારી તાલીમને દિનચર્યા સાથે સાંકળી લઈએ છીએ. અમને એનઆરઆઈ સમુદાયનો પૂરો ટેકો મળી રહ્યો છે અને આગામી કેટલાક દિવસોમાં વધુ મશીનો (શારીરિક તાલીમ માટે) આવશે અને અમે અહીં જ કબડ્ડી ગ્રાઉન્ડ સ્થાપિત કરીશું અને લોકોને વ્યાયામ માટે પ્રોત્સાહિત કરીશું.” તેમના અનન્ય યોગદાન વિશે બોલતા, અન્ય એક કબડ્ડી ખેલાડી, લખા ચીમાએ કહ્યું હતું કે “અમે દરરોજ લગભગ બે કલાક કસરત કરીએ છીએ. ઘણા લોકો અમારી પાસે કસરત કરવાની રીતો શીખે છે. અમે તેમને મદદ કરીએ છીએ. અમે સતત ખેડૂતોની સાથે ઊભા છીએ.”
આવી જ વાત કરતાં વેઇટલિફટર અમન હોટીએ કહ્યું હતું કે, “પંજાબીઓ સંઘર્ષના સમયે પણ ખુશ રહેવાનું જાણે છે. તેઓ દરેક પરિસ્થિતિ માટે તૈયાર હોય છે અને જ્યારે સીરિયા પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે શીખ લોકોએ તેમના માટે પણ લંગરનું આયોજન કરી રહ્યા હતા. તો પછી આ તો અમારી પોતાની લડત છે અને જ્યાં સુધી સરકાર ખેડૂતોની સંપૂર્ણ માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી અમે અહી રોકાઈશું અને અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમે આ આંદોલન અને લડત ચાલુ રાખીશું.”
Recent Comments