(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
અયોધ્યા સદભાવના સમન્વય સમિતિના અધ્યક્ષ અમરનાથ મિશ્રા દ્વારા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય રહેતા સલમાન નદવી પર રામ મંદિરને લઈને ડીલ કરવાના આરોપ પર શ્રીશ્રી રવિશંકર તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અમરનાથ મિશ્રા ના તો શ્રીશ્રી રવિશંકરના પ્રતિનિધિ છે અને ના તો તેમની સંસ્થા સાથે જોડાયેલા છે. આર્ટ ઓફ લિવિંગે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે અમરનાથ મિશ્રા શ્રીશ્રી રવિશંકરના પ્રતિનિધિ નથી. જારી કરાયેલા નિવેદન અનુસાર આર્ટ ઓફ લિવિંગે કહ્યું છે કે અમે દરેકનું ખુલ્લા દિલથી સ્વાગત કરીએ છીએ અને સૌને સાથે લઈને ચાલીએ છીએ. જો કોઈ અયોધ્યાના મુદ્દાનો શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં મદદ ઈચ્છે તો સંસ્થા તેમનું સ્વાગત કરે છે. શ્રીશ્રી રવિશંકર દરેક પક્ષોને સામેલ કરતાં તેનું સમાધાન કરવા ઈચ્છે છે. શરૂઆતથી જ અમારું વલણ સ્પષ્ટ છે. શ્રીશ્રી રવિશંકર અનુસાર ન્યાયાલયની બહાર અયોધ્યા વિવાદનો કરાર અથવા સંઘર્ષ દ્વારા નહીં પરંતુ સૌહાર્દથી ઉકેલ લાવવો પડશે. દેશની એકતા અને શાંતિ માટે આ મહત્ત્વપૂર્ણ છે કે, આ વિષયને બન્ને સમુદાયના લોકો સાથે બેસીને પરસ્પર ભાઈચારાના વાતાવરણ સાથે ઉકેલે.