(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં ગોમતીપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખે પૂર્વ ઝોનના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના ઓપરેટરોની બેદરકારીને લીધે ડ્રેનેજ લાઈનો ઉભરાતી હોવાની અને પૂર્વ વિસ્તારને જોડતા જાહેર તથા આંતરિક માર્ગો તદ્દન જર્જરીત હાલતમાં હોવાથી રીસરફેશ કરવા સહિતની રજૂઆત કરી હતી.
મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા ઈકબાલ શેખે જણાવ્યું કે, અમરાઈવાડી પમ્પીંગ સ્ટેશનની ઘોર બેદરકારીને લીધે ગોમતીપુર વોર્ડમાં આવેલ અમરાઈવાડી પમ્પીંગ અને રખિયાલ પમ્પીંગને જોડતી ગોમતીપુર વોર્ડની તમામ ગટરો ગંદા પાણીથી ઉભરાઈ રહી છે. આ પમ્પીંગ સ્ટેશનમાં સમગ્ર વિસ્તારનું પ્રદૂષિત પાણી એકત્ર થાય છે. જેનું સમયાંતરે ડ્રેનેજનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવતું ન હોવાથી પ્રદૂષિત પાણીનો નિકાલ થતો નથી. ત્યાર બાદ નીક સર્વરોમાં પુનઃ પ્રદૂષિત પાણી એકત્રિત થવાથી સમગ્ર વિસ્તારની ગટરો પ્રદૂષિત પાણીથી ઉભરાઈ જાહેર માર્ગો પર ફરી વળે છે. પરિણામે રોગચાળો ફાટી નીકળ્યો છે. આ અંગે પૂર્વઝોનના એડી. સિટી એન્જિનિયર તેમજ સંબંધિત તમામ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સંકલનના અભાવે પરિણામ આવતું નથી. આ પમ્પીંગ સ્ટેશનના રિનોવેશન માટે મંજૂરી પણ મળી ગઈ હોવા છતાં રિનોવેશન થતું નથી. જે માટે સંબંધિત અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા અને જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત શહેરના તમામ જાહેર અને આંતરિક માર્ગો જર્જરિત થતા રાહદારીઓ અને વાહનચાલકોને પડતી તકલીફ અંગે મ્યુનિસિપલ કમિશનરે દિલગીરી વ્યકત કરી હતી તે અંગે ઈકબાલ શેખે જણાવ્યું છે કે ઘણા ઓછા અધિકારીઓ જાહેરમાં માફી માગતા હોય છે. ત્યારે જાહેર માર્ગોને દિવાળી પહેલા રિસરફેશ કરવાની કમિશનરની તત્પરતાને બિરદાવી ગોમતીપુર વોર્ડના જેટલા પણ જાહેર અને આંતરિક માર્ગો બિસ્માર હાલતમાં છે તે રિસરફેશ કરવા જરૂરી છે. જેને વહેલીતકે રિસરફેશ કરવા માગણી કરી છે. હાલમાં આ જાહેર માર્ગોને પશ્ચિમ વિસ્તારની સરખામણીએ રીપેર કરવા, જે કાર્યવાહી કરવામાં આવે છે તે અપુરતી છે. માત્ર થીંગડા મારી કામચલાઉ કામગીરી કરવામાં આવે છે જે ટકાઉ હોતી નથી તે અંગે પણ ધ્યાન દોર્યું હતું.