અંકલેશ્વર, તા.૧૬
અંકલેશ્વર તાલુકા માંથી પસાર થતી અમરાવતી નદીમાં પ્રતિવર્ષ ચોમાસાની ઋતુ દરમ્યાન જ જળસૃષ્ટિનું નિકંદન નીકળતું હોવાનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે. આજ રોજ પણ મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતાં ગ્રામજનોમાં રોષ ફેલાય જવા પામ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા સારંગપુર, મોતાલી, સામોર અને નૌગામા ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીના પાણીમાં કેમિકલયુક્ત પાણી ફરી જતા જળચરોના મૃત્યુ થયા છે. આ પ્રદૂષિત પાણી હાલ કયાંથી આવ્યું એ તપાસનો વિષય છે. આ બાબતની ફરિયાદ જીપીસીપીને કરતાં પ્રાદેશિક અધિકારી આર.આર.વ્યાસનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું ત્યાં ઘટના આ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ પાણીમાં ડીઝોલ્વ ઓક્સિજનની અછત સર્જાતા જળચરના મૃત્યુ નિપજ્યા હોવાનું લાગી રહ્યું છે. આ અંગે સેમ્પલ લેવાયા છે. એના રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર ઉદ્યોગો હશે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે માંડવાના પર્યાવરણ પ્રેમી હસમુખ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષે ચોમાસાની ઋતુમાં જ જળચરો મૃત્યુ નીપજે છે જે ગંભીર ઘટના છે અનેક ગામો અમરાવતી નદીના પાણી પર નિર્ભવ છે ત્યારે આ અંગે કોઈ નક્કર પગલાં લેવાય અને જો પ્રદૂષણથી જ મૃત્યુ નિપજયા હોય તો એ પ્રદૂષણ કર્તાઓને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે એ ઇચ્છનીય છે.
દર ચોમાસાની ઋતુમાં પૂદૂષિત પાણીના કારણે અસંખ્ય જળચરોના મૃત્યુ થાય છે આવી ઘટનાઓ વારંવાર બને છે અને આ બાબતે જીપીસીબી હવે નક્કર પગલા લે તેવી લાગણી પ્રવર્તી છે.