(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા. ૩૦
ગુજરાત રાજયમાં સિંહોના મૃત્યુને લઇ ખુદ ગુજરાત હાઇકોર્ટે ભારે ચિંતા વ્યકત કરી રાજય સરકાર સહિતના સત્તાવાળાઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે ત્યારે અમેરલીના ખાંભાના ગોરણા માલિકીની વાડીના શેઢામાંથી વધુ એક સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં સ્થાનિક વનવિભાગના અધિકારીઓ સહિત સમગ્ર સરકારી તંત્ર દોડતું થઇ ગયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ખાંભાના ગોરણા માલિકીની વાડીના શેઢા પાસેથી વધુ એક સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, સ્થાનિક લોકોએ આ અંગે વનવિભાગને જાણ કરતાં તંત્ર દોડી આવ્યું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક અનુમાન પ્રમાણે સિંહની ઉંમર ૨ વર્ષની આસપાસ છે, જે વાડીના શેઢા પાસેથી મૃતદેહ મળ્યો તે વાડીના માલિક કનુભાઇ સામતભાઇ સોલંકી પણ દોડી આવ્યા હતા અને વનવિભાગને માહિતી આપી હતી, તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તાર સિંહનો રહેણાંક વિસ્તાર છે, અવાર નવાર સાવજોનું ટોળું અહીં ઘસી આવે છે. સાથે જ તેઓએ જણાવ્યું કે આ વિસ્તારમાંથી પસાર થતી રાયડી નદીના પટમાં સાવજો વસવાટ કરે છે, પરંતુ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે જેના કારણે સિંહોને નુકશાન થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી પંથકમા હજુ થોડા દિવસ પહેલાં જ રાજુલાના વિકટર ગામ નજીક ફાટક પાસે રોડ કાંઠે કોઇ અજાણ્યા શખ્સો તાર ફેન્સીંગમાં વિજશોકથી મૃત્યુ પામેલા એક સિંહના મૃતદેહનો નિકાલ કરી ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. દરમ્યાન સિંહના વધુ એક મૃતદેહની ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ વનવિભાગે જુદી જુદી ત્રણ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી છે. જો કે, પ્રાથમિક તપાસમાં સિંહનું મોત સર્પદંશથી થયું હોવાનું અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે. જો કે, સિંહના મોતના ચોક્કસ કારણ અંગે અધિકારીઓ ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યા છે.