અમરેલી, તા.૧૮
અમરેલી શહેરની છેવાડાની સોસાયટીઓ તેમજ મુખ્યમાર્ગો બિસ્માર બનેલા છે. ટ્રાફિકથી સસત ધમધમતા અને શહેરનો પ્રવેશદ્વાર લેખાતો ચક્કરગઢ રોડ ઉપર સર્જાયેલ ગાબડાની હારમાળામાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહેલ છે. આ વિસ્તારના સદસ્ય દ્વારા રોડ મરામતની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ ફરિયાદ કાને ધરવામાં આવતી નથી. ગેરંટી પીરિયડમાં તહશ-નહશ થઈ ગયેલા રોડ અંગે જવાબદારો સામે પગલા ભરવામાં લાજ કાઢી રહેલા પાલિકા અધિકારી સામે કાનૂની રાહે કલેક્ટર દ્વારા પગલા ભરવા સ્થાનિક રહીશોમાંથી માગણી ઉઠેલ હતી. સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠેલ જનતા જનાર્દન સાથે પાલિકાના સદસ્યોએ આગામી દિવસોમાં પાલિકા સામે આંદોલન કરવાનો આક્રોશ ઠાલવેલ હતો. સાથો-સાથ ગાબડાવાળા રોડ ઉપર આજે વૃક્ષારોપણ કરી નવતર વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવેલ હતો.