અમરેલી, તા.રપ
અમરેલીના ચાંદગઢ ગામે સમૂહલગ્નમાં અચાનક એક એવા મહેમાન આવ્યા કે લગ્ન સમારંભ જ રોકાઈ ગયો. હા વાંચીને આપણને નવાઈ લાગે પણ વાત સાવ સાચી છે. કોરોનાકાળ ચાલુ હોવા છતાં તંત્રની મંજૂરી વિના ચાંદગઢ ગામે સર્વજ્ઞાતિના સમૂહલગ્ન યોજાઈ રહ્યા હતા. ત્યારે અચાનક મહેમાન બનીને આવેલી પોલીસે લગ્ન રોકાવી દીધા હતા. જેના લીધે ૧૮ જેટલા જાનો લીલા તોરણે ફેરા ફર્યા વગર જ પરત ફરી હતી. જેના પગલે લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નજીક ચાંદગઢ ગામે કોરોના મહામારીની ગાઈડલાઈનને નેવે મૂકી ગામના સ્થાનિક યુવાનો દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ઉલાળિયો કરી એક સાથે અઢાર સમૂહ લગ્ન માટે એક જ લાઈનમાં અઢાર લગ્ન મંડપ ઊભા કરી દેવામાં આવ્યા હતા. લગ્ન મંડપમાં હર્ષોલ્લાસ સાથે લગ્નગીતો ગવાઈ રહેલા હતા. અઢાર સમૂહ લગ્નના આયોજનમાં તમામ જાનૈયા વર-કન્યા સાથે આવી ગયા હતા. આ સમયે પોલીસનું આગમન થયું હતું. પોલીસે સ્થળ ઉપર તમામને વિખેરાઈ જવાની સૂચના આપી હતી. લગ્ન મંડપમાં વર-કન્યાના ફેરા ફર્યા વગર જ જાનો લીલા તોરણે પરત ગઈ હતી. સમૂહ લગ્નમાં આયોજક દ્વારા મંજૂરી લેવામાં આવી ન હોવાનું અને સ્થળ ઉપર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની કાર્યવાહી સામે ભારે રોષની લાગણી વ્યાપી હતી.