અમરેલી તા.૪
અમરેલીના ચોરાપા વિસ્તારમાં આજે સવારે હનુમાન મંદિરની મૂર્તિ ઉપર ચડાવેલ ચાંદીના આભૂષણોની ચોરી કરી મૂર્તિને નુકસાન કર્યું હોવાનું જણાતા અમરેલી સિટી પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી.
આ અંગે અમરેલી સિટી પોલીસમાં જાણવા જોગ દાખલ થયેલ ફરિયાદ મુજબ અમરેલીના ચોરાપા વિસ્તારમાં વાંજાવાડ પાસે આવેલ હનુમાન મંદિરમાં આજે સવારે મિતેશ વંસતભાઈ સાવલિયાને જાણવા મળેલ હતું કે, મંદિરમાં રાખવામાં આવેલ હનુમાનની મૂર્તિ પર ચડાવેલ ચાંદીના આભૂષણો મુગટ તેમજ મુખારવિંગ અને ગદા જોવામાં આવેલ ના હતી અને મૂર્તિને નુકસાન કરેલ હતું. જેથી ચાંદીના આભૂષણો કોઈ ચોરી કરી જતા તેમજ મંદિરમાં રાખવામાં આવેલ મૂર્તિને નુકસાન કરવામાં આવેલ હોવાનું માલુમ થતા સિટી પોલીસમાં મિતેશ વસંતભાઈ સાવલિયા ફરિયાદ લખાવતા પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલે.ને આવેદન : બનાવને વખોડી કાઢ્યો
અમરેલીના હિન્દુ અને મુસ્લિમ વિસ્તાર પાસે ચોરાપામાં આવેલ મંદિરમાંથી મૂર્તિના ચાંદીના આભૂષણોની કોઈ ચોરી કરી જતા તેમજ મૂર્તિને નુકસાન કરતા સમસ્ત મુસ્લિમ સમાજે આ બનાવને વખોડી કાઢ્યો હતો અને શાંતિમાં પલીતો ચાંપવાનું કામ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મંદિરને નુકસાન કરવા પાછળ આવારા તત્ત્વોનું કામ લાગી રહ્યું છે. કૃત્ય કરનાર શખ્સ સામે નાતજાત ભેદભાવ વગર કડક કાર્યવાહી કરવામાં આવે સાથો સાથ આ બનાવમાં કોઈ નિર્દોષ વ્યક્તિઓને હેરાન કરવામાં ના આવે તેની તકેદારી રાખવા રજૂઆત કરી હતી. અગાઉ પણ શરારતી તત્ત્વો દ્વારા અમરેલીની શાંતિ પ્રિય જનતામાં સોશિયલ મીડિયા દ્વારા પત્રિકાઓ ફરતી કરી શાંતિ ડહોળવાનું કામ કર્યું હતું. જે બાબતે પણ ૨૩/૧૨ના રોજ અરજી આપેલ હતી તે પત્રિકા ફેલાવનાર ઈસમ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી,આજના બનાવને સમગ્ર સમસ્ત મુસ્લિમ સમાજે વખોડી કાઢેલ છે અને અંતમાં પણ જણાવ્યું હતું કે આ કૃત્ય કરનાર સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ નિર્દોષ વ્યક્તિને હેરાન ના કરવામાં આવે તેવી મુસ્લિમ આગેવાનોએ રજૂઆત કરી હતી. આ આવેદનપત્ર મહેબુબરહેમાન કાદરી, એડવોકેટ રફીકભાઇ મોગલ, નાનભાઈ બિલખિયા, યુનુસભાઇ દેરડીવાળા, ફેઝલ ચૌહાણ, જાવેદખાન પઠાણ, ઓસ્માનભાઈ મહિડા, સમીરભાઈ બિલખિયા, અબ્દુલભાઇ સેલોત વગેરે હાજર રહ્યા હતા.