અમરેલી તા.૨૭
અમરેલીના લુવારા ગામના એક માથાભારે શખ્સ સામે પોલીસે અગાઉ ગુજસીટોક ગુનો નોંધેલ હોઈ જે આરોપી પોતાના ગામ સાવરકુંડલાના લુવારા ગામે આવેલ હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ તે આરોપીને પકડવા ગયેલ હતી. જ્યાં આરોપીએ પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરતા પોલીસે સ્વ બચાવમાં સામું ફાયરિંગ કરી આરોપીને પકડી પાડેલ હતો.
અમરેલીના સાવરકુંડલાના લુવારા ગામે રહેતો અશોક જયતાભાઈ બોરીચા (ઉવ-૩૧) સામે અગાઉ અમરેલી પોલીસે ગુજસીટોક મુજબ ગુનો નોંધેલ હતો. જેમાં અશોક જયતા બોરીચા નાસતો-ફરતો હતો દરમ્યાન અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાયને બાતમી મળેલ કે અશોક જયતા લુવારા ગામે આવેલ છે તેવી બાતમી મળતા એલસીબી એસઓજી અને સાવરકુંડલા રૂરલ પોલીસ સહિતનો સ્ટાફ આરોપીને પકડવા પહોંચ્યો હતો. પોલીસેને જોઈ આરોપી નાસવા માટે પોતાના પાસે રહેલ હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરેલ હતું. જેથી પોલીસે સ્વ બચાવમાં આરોપી સામે પણ ફાયરીંગ કરેલ હતું. જેથી આરોપી પોલીસના સંકજામાં સપડાયેલ હતો. પોલીસ આરોપીને દબોચી લઇ તેના ઘરમાંથી વિદેશી પિસ્ટલ બે તમંચા તેમજ એક રિવોલ્વર સહિત જીવતા કાર્ટીસ તેમજ મોબાઈલ અને ફોર્ચ્યુનર કાર સહિતનો મુદામાલ પોલીસે જપ્ત કરેલ હતો. આરોપીને ધરપકડ કરવાથી નાસી જવા માટે આરોપીની બહેન એ પોલીસને અવરોધ ઊભો કરતા તેની સામે પણ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.