અમરેલી,તા.ર૪
અમરેલી બિલખિયા ગેસ એજેન્સીના માલિક તથા તેના પુત્ર સહિત ચાર શખ્સો ઉપર વ્યાજની વસુલાત માટે ગોંધી રાખી ધાકધમકી આપી નાણાં વસૂલવા મારમાર્યાની ફરિયાદ ભાવનગર રેન્જના ડીઆઇજીપીને કરતા ડીઆઇજીપીએ અમરેલી પોલીસે ફરિયાદ લેવા હુકમ કરતા શહેરમાં ખળભળાટ મચી ગયેલ છે, અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજે લેનાર શખ્સ આરોપીઓના ભયથી અમરેલી શહેર છોડી બોટાદ રહેવા ચાલ્યો ગયો હતો, ૫ લાખ વ્યાજે લીધા બાદ ફરિયાદીએ ૨૦ લાખ ભર્યા હોવા છતાં ૧૦ લાખની વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા.
આ અંગે સિટી પોલીસમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર અમરેલી શહેરના બહારપરા ખાટકીવાડમાં રહેતો અને હાલ બોટાદમાં ભાવનગર સર્કલ વોરા સોસાટીમાં રહેતો અનિશ ઇકબાલભાઇ કાલવા (ઉ.વ.૩૭)એ અમરેલીના ઘાંચીવાડમાં રહેતા અલ્ફાઝ રફીકભાઇ બિલખિયા પાસેથી ધંધામાં મંદી હોવાંથી અને કામ ધંધો ચાલતો ના હોવાથી પૈસાની જરૂર પડતા સાડા છ વર્ષ પહેલા ૫ લાખ રૂપિયા ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા અને તે મુદ્દલ અને વ્યાજ સહીત ૨૦ લાખ રૂપિયા અનીસ કાલવા એ આપી દીધેલ હોવા છતાં અલ્ફાઝ તેમજ તેના પિતા રફીકભાઇ ઉમરભાઈ બિલખિયા એ વારંવાર ફોન અને રૂબરૂ મળી કહેલ કે તારે હજુ ૧૦ લાખ દેવાના છે અને આ રૂપિયા તારે દેવાનાજ છે નહિ આપ તો તને તથા તારા કુટુંબને પતાવી દઇશું તેવી ધમકીઓ આપતા કંટાળી અનીસ કાલવા અમરેલીથી બોટાદ રહેવા ચાલ્યો ગયો હતો અને અનીસે અમદવાદમાં નારોલ વિસ્તારમાં એક ગોડાઉન ભાડે રાખી ધંધો કરતો હતો.
ગઈ તા.૧૮/૮ના રોજ અનિસ ગોડાઉને હતો ત્યારે અલ્ફાઝ રફીકભાઇ બિલખિયાનો ફોન આવેલ અને મારા ગોડાઉને આવેલ અલ્ફાઝ સાથે ૨ અજાણયા શખ્સો હતા. જેની ઉમર ૩૫ વર્ષની હતી. અલ્ફાઝ એ મને કહેલ કે તારે ૧૦ લાખ ક્યારે આપવાના છે. તેમ કહી તેના પિતા રફીક ઉમરભાઈ બિલખિયાને ફોન કરી વાત કરાવી જેથી રફીકભાઇ કહેલ કે તારે ૧૦ લાખ દેવાજ પડશે નહી તો તને પતાવી દઇશું, તેમ કહી અલ્ફાઝ એ મારમારી તેમજ તેની સાથેના બે શખ્સોએ અનીશ કાલવાને ગોડાઉનમાં બેસાડી દીધો હતો અને અહીંયાથી ક્યાંય હલતો નહિ અને મને બેસાડી રાખેલ હતો રાત્રીના બેક વાગ્યે હું નમાઝ પડવાના બહાને ગોડાઉનમાંથી ભાગી જઈ ભાવનગર રેન્જ ડીઆઇજીપી સમક્ષ ફરિયાદ લખાવતા ભાવનગરથી ફરિયાદ અમરેલી સિટીમાં આવતા સીટી પોલીસે બિલખિયા ગેસ એજેન્સીના માલિક રફીક ઉમરભાઈ બિલખિયા તેમજ તેના પુત્ર અલ્ફાઝ તેમજ અમદાવાદના બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩/૩૪૨/૫૦૪/૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે, આ બનાવ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે.