અમદાવાદ,તા.૨૩
સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે વરસાદ પડ્યો હતો. સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ રાજસ્થાનના મધ્ય ભાગમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. હળવાથી મધ્ય વરસાદી ઝાપટાનો દોર હજુ પણ જારી રહી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ માટે પણ ચેતવણી જારી કરી છે. સાથે સાથે તોફાની પવન પણ ફુંકાઈ શકે છે. ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
એકબાજુ, ગુજરાત રાજયમાં કોરોના વાઇરસનો કહેરથી હાહાકાર મચી રહ્યો છે ત્યારે રાજયમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાના મારથી ખેડૂતોની હાલત ભારે કફોડી બની છે. ખાસ કરીને માવઠાના મારને લઇ ખેડૂતોની મુશ્કેલી વધી છે. આજે પણ સૌરાષ્ટ્રના અમરેલી, ધારી, ગીર સહિતના પંથકોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. તોફાની પવન અને કરા સાથે એટલો ધોધમાર વરસાદ પડયો હતો કે, સ્થાનિક સુખપુર ગામે નદીમાં પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઇકાલે ઉત્તર ગુજરાતમાં અંબાજી સહિતના પંથકોમાં પણ કમોસમી વરસાદ નોંધાતા સ્થાનિક રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ તા.૨૫મી માર્ચના રોજ રાજયના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શકયતા છે, જેને લઇ રાજયના ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. આજે સૌરાષ્ટ્રમાં અમરેલીમાં ધારી અને ગીર પંથકમાં અચાનક હવામાન પલટાયું હતુ અને જોતજોતામાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા ઉનાળાના પ્રારંભે જ સુખપુર ગામે નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધારીના સુખપુર, ગોવિંદપુર, કુબડા સરસીયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. સુખપુરમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડયો હતો. કમોસમી માવઠાંને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તો ગીર પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. હવામાનમાં હાલમાં જોરદાર પલટાની સ્થિતિ જોવા મળી રહી છે.

ક્યાં કેટલું તાપમાન

વિસ્તાર મહત્તમ તાપમાન
અમદાવાદ ૩૭.૭
ડિસા ૩૭.૨
ગાંધીનગર ૩૭.૭
વીવીનગર ૩૭.૫
વડોદરા ૩૬.૮
સુરત ૩૭
અમરેલી ૩૯
ભાવનગર ૩૬.૬
રાજકોટ ૩૮.૬
નલિયા ૩૨.૮
પોરબંદર ૩૨.૯
સુરેન્દ્રનગર ૩૮