અમરેલી,તા.૧૧
અમરેલીના સરકાર વાડામાં રહેતા શખ્સની કારમાં રાત્રીના બે શખ્સોએ આવી કારની પાછળની સાઈડમાં બોટલમાંથી જ્વલનશીલ પ્રવાહી છાંટી કારમાં આગ લગાવી દેતા કાર બળીને ખાખ થઇ ગયેલ હતી કાર માલિકે પોતાના ઘરના સીસીટીવી કેમેરામાં આરોપીઓને ઓળખી બતાવતા સિટી પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી.આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના સરકાર વાડામાં રહેતો રહીમ વલીભાઈ પરમારનામના શખ્સે ગઈરાત્રીના પોતાના ઘર પાસે પોતાની કાર નંબર જીજે-૦૪-સીઆર-૪૨૪૯ની પાર્ક કરેલ હોઈ અને મોડી રાત્રીના તેની કારમાં આગ લાગેલ હોવાનું પાડોશી કાળુભાઇ એ રહીમભાઈને જગાડીને જાણ કરતા પાડોશી તેમજ રહીમભાઈ સહિત આજુબાજુના લોકોએ કાર ઉપર પાણી છાંટેલ અને ત્યારબાદ ફાયર બ્રિગેડ આવી જતા તેના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી. આગ ઠરી ગયા બાદ રહીમભાઈએ પોતાના ઘરના સીસીટીવી કેમેરા જોતા તેમાં બાઈક ઉપર હસન અબા સાલમભાઇ કાસીરી તેમજ સોહીલ અમીનભાઈ હમજા રહે અમરેલી વાળાઓએ આગ લગાડી હોવાનું સીસીટીવીમાં ઓળખી બતાવેલ હતા જેથી સિટી પોલીસમાં ઉપરોક્ત બંને સામે રહીમભાઈ પરમાર એ પોતાની કારમાં રૂા.૭૫ લાખનું નુકશાન કર્યા હોવાં અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.