(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૧૮
અમરેલીમાં કેટલાક સમયથી તસ્કરોએ અમરેલી શહેરના કંઈક વિસ્તારોને ચોરી કરી ઘમરોળી નાખ્યા છે ત્યારે ગઈકાલે જેશીંગપરા વિસ્તારમાં વધુ ૩ બંધ મકાનોને નિશાન બનાવી રોકડ અને સોનાં ચાંદીના દાગીનાની ચોરી કરી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અમરેલી શહેરમાં કેટલાક સમયથી તસ્કર રાજ હોઈ તેવું લાગી રહયું છે. અગાઉ શહેરના અનેક વિસ્તારોમાં ચોરોએ મકાનો અને દુકાનોના તાળા તોડી અંદરથી રોકડ અને દાગીનાની ચોરીઓ કરવાના બનાવો બન્યા છે શહેરના જેશીંગપરમાં અગાઉ અંદાજે એક મહિના પહેલાં તસ્કરોએ ચોરી કરી હોવાની ફરિયાદ થયેલ અને ત્યાંના રહેવાસીઓએ કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમ છતાં પોલીસ નિષ્ક્રિય રહેતા ગઈકાલે ધર્મેશભાઈ દિલીપભાઈ સરોલીયાના મકાનમથી સોનાં અને ચાંદીના દાગીના મળી ૧૯૫૦૦નો ચોરી કરી હતી જ્યારે પાડોશમાં રહેતા ભગવાનભાઇ પોલાભાઈ વાઘેલાના મકાનમાંથી ૮ હજારની રોકડ ચોરી અને શાંતિભાઈ ટપુભાઈ પોકળના મકાનમાંથી તસ્કરોએ ચોરી કરી હતી. આ અંગે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.