અમરેલી,તા.ર૬
અમરેલી શહેરના સ્ટેશન રોડ ઉપર આજે સવારે એક એસ.ટી. બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પાનની દુકાનમાં ઘૂસી જતાં નાસભાગ મચી જવા પામી હતી જો કે જાનહાનિ ટળી ગઈ હતી. દુકાનદારને સામાન્ય ઈજા થયેલ હતી, જયારે બે દુકાનને નુકસાન થયાની પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરના હાર્દસમા અને ટ્રાફિકથી સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપર આજે સવારે સવા આઠ વાગ્યાના સુમારે અમરેલી-જાગુડા રૂટની એસ.ટી. બસ નંબર જી.જે. ૧૮ વાય. ૮૪પ૪ના ચાલકે કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ક્રિષ્ના પેટ્રોલપંપ પાસેના વળાંક પાસે અજન્તા નામની પાનની દુકાનમાં ઘૂસી ગઈ હતી. દુકાન આગળ મોટો ઓટલો હોવાના કારણે બસ ત્યાં જ અટકી જતા મોટી ખુવારી થતા અટકેલ હતી. પાનની દુકાન ખોલીને દિવાબત્તી કરી રહેલ દુકાન માલિક ગુંજન મનસુખભાઈ કાબરિયાને પગના અંગુઠા ઉપર સામાન્ય ઈજા થયેલ હતી.
સવારમાં રોડ ઉપર અન્ય વાહન ચાલક કે કોઈ રાહદારી ન હોવાના કારણે મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી. અકસ્માત સર્જી એસ.ટી.નો ડ્રાઈવર બસ ઘટના સ્થળે મૂકી ના ગયો હતો. ઘટના અંગે ગુંજન કાબરિયા (ઉ.વ.૩ર)એ એસ.ટી.ના ચાલક વિરૂધ્ધ અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરેલ છે.