(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૦
અમરેલી નગરપાલિકા દ્વારા ગઈ સાલ ૬૨ લાખની શહેરના ગ્રીટ નાખી ભ્રષ્ટચાર થયો હોવાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ થયેલ છે. ત્યારે આ વર્ષે ૮૦ લાખની ગ્રીટ નાખી ભ્રષ્ટચાર કરેલ હોવાનો આક્ષેપ શહેરની પ્રજામાંથી ઉઠેલ છે. અમરેલીમાં નગરપાલિકાની ગત ચૂંટણીમાં અમરેલીની પ્રજાએ કોંગ્રેસના હાથમાં નગરપાલિકાના સુકાન સોંપી એવી અપેક્ષા રાખેલી કે અમરેલીમાં નગરપાલિકાને લગત પ્રજાની પાયાની મૂળ જરૂરિયાતના કામો માટે હવે હાલાકી નહીં ભોગવવી પડે, ઉપરાંત અમરેલીના ૫ ધારાસભ્ય પણ અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે અમરેલીમાંથી ચૂંટાયેલી કોંગ્રેસના ધારાસભ્ય એટલું બધુ જનસમર્થન આટલી સત્તા પ્રજાએ સોંપેલ હોવા છતા કોંગ્રેસના ચૂંટાયેલા નગરપાલિકા સદસ્યથી લઈ ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા સુધી કોઈપણને અમરેલીના નગરપાલિકાના જરૂરી પાયાના પ્રશ્ને પ્રજા રજૂઆત કરે તો કોંગ્રેસના પાલિકા સદસ્યથી વિરોધ પક્ષના નેતા એક જ કેસેટ વગાડે કે નગરપાલિકા અમારા હાથમાં નથી, તો અમરેલી નગરપાલિકાનું સંચાલન કોણ કરી રહ્યું છે ?
અત્રે ઉલ્લેખનીયછે કે, ગત વર્ષે ચોમાસામાં અમરેલીમાં ૬ર લાખ રૂપિયાની ગ્રીટ નખાણી અને ત્યારે પણ લોકોએ ક્યાંય ગ્રીટ જોયેલ નહીં અને તે બાબતે અમરેલી નગરપાલિકા વિરૂદ્ધ સરકારમાં ફરિયાદ થયેલ હોવા છતાં આ બાહુબલી સંચાલક દ્વારા ૨૦૧૯માં પણ અમરેલીમાં ૮૦ લાખ રૂપિયાની ગ્રીટના બિલ ઉધારી લીધા હતા.