અમરેલી, તા.૧૯
કોરોના વાયરસની મહામારીના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન-૪માં ગ્રીન ઝોન અમરેલીમાં આપવામાં આવેલ આંશિક છૂટછાટમાં પાન-માવાની દુકાનો ખુલતા જીવનની અતિ આવશ્યક ચીજ-વસ્તુની ખરીદી કરતા પણ મોટી કતાર લાગતા પોલીસને દખલગીરી કરવી પડેલ હતી.
લોકડાઉનના સમયને બે માસ વિતવા આવેલ છે. આવી વિકટ વ્યસનની કટોકટીના સમયમાં સરકાર દ્વારા પાન-માવાની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવેલ હતી. પાન-માવાની દુકાનો ખોલવાની જાહેરાત થતા વ્યસનીઓ ભારે આનંદથી ઝૂમી ઉઠેલ હતા. વ્યસન આડે કોરોના પણ વિસરાઈ ગયેલ હતો. સરકારની જાહેરાત બાદ અમરેલી કલેક્ટર દ્વારા ગઈકાલે મોડી રાતના લોકડાઉન-૪નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જેમાં સવારના ૮થી બપરોના ૩ સુધી દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવેલ હતી. પરંતુ આજે અમરેલીમાં પાન-માવાની એકલ-દોકલ દુકાનો ખુલતાં જ વ્યસનીઓની લાંબી કતાર લાગેલ હતી.