(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૭
એક માસ પહેલાં અમરેલી શહેરના હીરા-મોતી ચોકમાં ગાડી પાર્ક કરવા બાબતે ચાર શખ્સોએ છરી વડે વેપારી ઉપર કરેલ હુમલાની ઘટનામાં નાસતા ફરતા ત્રણ અજાણ્યા આરોપીની ધરપકડ કરેલ છે તે બોગસ હોવાનું અને આરોપીની ઓળખ પરેડ કરાવવા ફરિયાદીએ એસપીને રજૂઆત કરતા ભારે ચકચાર મચાવનાર ઘટનામાં એક નવો વળાંક આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના હીરા-મોતી ચોકમાં ગત તા.૨૪/૭/૨૦૧૮ના રોજ સવારે રાજેન્દ્ર ધાખડા સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પોતાની ફોરવ્હીલ કાર વેપારીની દુકાન આગળ પાર્ક કરવા બાબતે વેપારી ઉપર છરી વડે હુમલો કર્યાની ફરિયાદ દિવ્યેશ ગોવિંદભાઈ કાવરિયા નામના વેપારીએ અમરેલી સિટી પોલીસમાં કરી હતી. ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિ. બી.એલ. મોણપુરાને સોંપવામાં આવી હતી. આ ઘટના મુખ્ય આરોપી રાજેન્દ્ર ધાખડાને આગોતરા જામીન મળી ગયા બાદ નાસતા ફરતા અન્ય અજાણ્યા ત્રણ આરોપીની પોલીસે ગત તા.રર/૮ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી. ફરિયાદી દિવ્યેશ કાવરિયાએ આજે એસપીને રજૂઆત કરી માગણી કરેલ છે કે, પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓની ઉંમર મુજબ આરોપી બોગસ હોવાના અનુમાન સાથે આરોપીઓને નામથી નથી ઓળખતા પરંતુ અમારી સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવે તો ચોકમાં સાચા આરોપીને ઓળખી બતાવીશું. એસપી દ્વારા આ દિશામાં પગલાં ભરવા તપાસનીશ અધિકારીને આદેશ કરેલ છે.