અમરેલી, તા.ર૭
ગ્રીન ઝોન અમરેલી જિલ્લામાં પધારેલા અન્ય રાજ્યના તેમજ અન્ય જિલ્લાના લોકોમાં છવાયેલ કોરોના વાયરસ સંક્રમણ ધીમે-ધીમે બહાર આવી રહેલ છે. વધુ એક કેસ મુંબઈના બોરીવલીથી બગસરાના જૂના જાંજરીયા ગામે આવેલ એક ૪પ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં આઠમા કેસ નોંધાયેલ હતો.
અમરેલી જિલ્લામાં ગત ૧૩મી મે સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ ન હતો. છેલ્લા ૧૩ દિવસમાં બગસરા તાલુકાના જૂના જાંજરીયા ગામની ૪પ વર્ષીય મહિલા ર૩મી તારીખે ટ્રેન મારફત મુંબઈથી સાવરકુંડલા આવેલ હતી. તેમને શરદી-તાવના લક્ષણ જણાતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતી. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો. સરકારી તંત્ર દ્વારા મહિલાના સંપર્કમાં આવેલા લોકોનું ક્વોરન્ટાઈન કરવાની અને એપી સેન્ટર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાયેલ હતી. જિલ્લામાં કુલ આઠ કેસો નોંધાયેલ હતા.
ટીંબલા ગામની ૬૭ વર્ષની વૃદ્ધ અને બગસરાના ૧૧ વર્ષના તરૂણને ગત ૧૩મી મે અને ૧૭મી મેએ પોઝિટિવ હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયેલ હતા. બંનેના રિપોર્ટ નેગેટિવ આવેલ હતા.