(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૧
સુરતમાં પરપ્રાંતિય કામદારોની સાથે સાથે ગુજરાતના અમરેલી અને ભાવગર સહિતના અન્ય જિલ્લાઓના લોકો પણ મોટી સંખ્યામાં આવીને વસ્યા છે.પરંતુ હાલની કોરોનાની મહામારીના કારણે કામ-ધંધા બંધ થતાં જ આવા તમામ લોકો હવે ધીમેધીમે સુરત છોડી રહ્યા છે.આવા કામદારો માટે સુરત એસટી દ્વારા અત્યાર સુધીમાં ૫૭૦૦ જેટલી બસો દોડાવાઈ હતી. જેમાં ૪૩૭૦ તો માત્ર અમરેલી અને ભાવનગર જ દોડાવાઈ હતી. સુરત એસટી વિભાગ દ્વારા છેલ્લા પંદર દિવસથી કારીગર અને શ્રમિકોને તેમના વતન પહોંચાડવા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ તા. ૨૦મી સુધીમાં ૫૭૦૮ એસટી બસો દ્વારા ૧.૭૦ લાખથી વધુ પ્રવાસીઓને વતન લઈ જવાયા છે. સોશિયલ ડિસ્ટન્સિગનો અમલ કરવાનો હોવાથી એક બસમાં ૩૦ પ્રવાસીઓની અનુમતિ આપવામાં આવી છે. સુરતથી સૌથી વધુ અમરેલી, ભાવનગર તથા જૂનાગઢના વતનીઓએ કોરોના સંક્રમણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં સુરત છોડવાનું પસંદ કર્યું છે. અમરેલી અને ભાવનગરના ૧.૩૦ લાખ પ્રવાસીઓએ સુરત છોડ્‌યું છે. આ બે શહેરો માટે સુરતથી ૪૩૭૦ બસ રવાના કરવામાં આવી હતી.